સોમનાથ ડિમોલિશનમાં સ્ટેટ્સકવો આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથ આસપાસ થયેલા ડિમોલિશન વિરુદ્ધમાં કરાયેલી અરજી ગુજરાત હાઈ કોર્ટે માન્ય ન રાખી હતી અને અરજદારોને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં અરજદારે યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે કોર્ટને કરેલી વિનંતી કોર્ટે ફગાવી હતી. રાજ્ય સરકારે યથાવત સ્થિતિ જાળવી રાખવાની માંગણીનો વિરોધ કર્યો હતો.
કોર્ટના આ ચુકાદા બાદ સરકાર તરફથી કરાતું કોંક્રિટ ફેંસિંગ ચાલુ રહેશે. ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને આજની તારીખે ફેન્સિંગ પણ થઈ ચૂક્યું છે તેવી ગુજરાત સરકારે રજૂઆત કરી હતી. જોકે, અન્ય કોઈને પઝેશન ના અપાય તે માટે સ્ટેટસ કવો (યથાવત રાખવા) જરૂૂરી હોવાની અરજદારે રજૂઆત કરી હતી.
આ સાથે કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે જે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે એ તમામ બાંધકામો અંગેની પૂરતી વિગતો, બાંધકામના પ્રકાર સહિતની પણ વિગતો રજૂ કરવામા આવે. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે જો જગ્યા સોમનાથ ટ્રસ્ટની હોય તો સોમનાથ ટ્રસ્ટને જ આપવાની થાય છે. આ અગાઉ પણ નોટિસો અપાય હોવાની પણ સરકારે રજૂઆત કરી હતી.