For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોઠડાની જમીનના વિવાદમાં કલેક્ટર તંત્રને ઝાટકતી હાઈકોર્ટ

03:50 PM Dec 13, 2023 IST | Bhumika
લોઠડાની જમીનના વિવાદમાં કલેક્ટર તંત્રને ઝાટકતી હાઈકોર્ટ

નિયમો નેવે મૂકી જમીનના કરાયેલ શરત ફેરમાં સીંગલ જજના ઓર્ડર સામે અપીલ કરવામાં છ મહિના કાઢી નાખ્યા, ડિવિઝન બેંચે ડિલે કોન્ડોનેશનની અરજી ફગાવી

Advertisement

ગઈકાલે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ સુનિતા અગ્રવાલની બેંચે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા સિંગલ જજના ઓર્ડરને પડકારવામાં 171 દિવસના વિલંબને પગલે સરકારી તંત્રની રીતસરની આકરી ટીકા કરી હતી અને સાથે જ સરકારની અરજી ફગાવી દીધી હતી.

રાજકોટ તાલુકાના લોઠડા ગામના સર્વે નંબર 167 પૈકીની 4 એકર જમીનના વિવાદના પગલે સિંગલ જજના ઓર્ડરને 90 દિવસના સમયગાળામાં પડકારવાના મુદ્દે કલેકટર તંત્ર ઉણુ ઉતર્યુ હતું. 171 દિવસ બાદ જાગેલા તંત્રએ અગાઉ સિગલ જજના ઓર્ડરને પડકારવા માટે ગઈકાલે અપીલ દાખલ કરી હતી. જે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી અને સાથે આકરી ટીપ્પણી પણ કરી હતી.

Advertisement

આ કેસની વિગતો જોઈએ તો વર્ષ 1971માં તત્કાલીન ડેપ્યુટી કલેકટર દ્વારા સાંથણી યોજના હેઠળ લોઠડામાં 4 એકર જમીન એક પરિવારને ફાળવવામાં આવી હતી અને ત્યારબાદ કબજો પણ પરિવાર પાસે હતો. આ જમીનની ફાળવણી નવી શરત હેઠળ કરાઈ હતી. બાદમાં 2018માં ગુજરાત સરકારના મહેસુલ વિભાગનાં પરિપત્રનાં આધારે આ જમીનને જુની શરતમાં ફેરવીને અલગ અલગ બે પાર્ટીઓને બે બે એકરનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ શરતફેરના રોજકામમાં ત્રુટીઓ ધ્યાનમાં આવતાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આ શરતફેર બાબતે તત્કાલીન મામલતદાર કે.એસ.ખાનપરાની સામે તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. જેથી કલેકટર દ્વારા શરતફેરનો 2019નો હુકમ પણ રદ કરવામાં આવ્યો હતો. શરતફેરનો હુકમ રદ થતાં સાંથણીની જમીન ધારકો એસ.એસ.આર.ડી.સુધી અપીલમાં પહોંચ્યા હતાં અને એસ.એસ.આર.ડી.એ કલેકટરે 2019નો શરતફેરના હુકમને રદ કર્યો હતો અને ત્યારબાદ આ હુકમને પડકારતા મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં સિંગલ જજે ચુકાદો આપ્યો હતો કે 1971થી જમીનનો કબજો જે તે અરજદાર પાસે હોવા છતાં ફકત રોજકામના આધારે 2018માં એન્ટ્રી પડી હોય તેના આધારે એવું ના માની શકાય કે જમીનનો કબજો અરજદાર પાસે નહોતો. અને અરજદારને જમીનનો કબજો માન્ય ગણીને બાદમાં થયેલ વેચાણ માન્ય ગણ્યા હતાં.

સિંગલ જજના આ ચુકાદાને પડકારવા માટે 6 મહિના જેટલો સમય કાઢી નાખતાં ગઈકાલે આ અંગેની સરકારની અપીલ હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને ટીપ્પણી કરી હતી કે તમે એક સાથે વર્ષો સુધી એન્ટ્રીઓ સુધારતાં નથી, ખેડૂતો વર્ષો સુધી તમારી ઓફિસના ધક્કા ખાય છે, તમે કોઈનું સાંભળતા નથી અને તમારી ઓફિસમાં કોઈ ઉભુ રહી શકતું નથી. 1971માં આ સ્થિતિ હતી. 1971 પછી બધા જ પ્રજા હતાં અને મહેસુલ અધિકારીઓ રાજા હતાં. આમ કહીને હાઈકોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે તમે તમારા દ્વારા ડીલે બાબતે કંઈ પણ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યાં છો. સાથે જ સરકારની અપીલ ફગાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement