સુપર સ્પેશિયાલિટીની પરીક્ષામાં ગ્રેસ માર્કસની માંગણી ફગાવી દેતી હાઇકોર્ટ
મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટરલ લેવલની મેડિકલ ડિગ્રી એટલે કે DrNB(ડોક્ટરેટ ઓફ નેશનલ બોર્ડ)ની પરીક્ષામાં છ ગ્રેસ માર્ક્સ આપવાની દાદ માગતી છાત્રાની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ મામલે અરજદાર વિદ્યાર્થીની અરજી હતી કે, તેને ક્લિનિકલ હિમેટોલોજીના સુપર સ્ટેશિયાલિટી માટેની DrNBની થિયરીની પરીક્ષામાં પાસ જાહેર કરવામાં આવે.
તેણે આપેલી પરીક્ષાના ત્રણેય પેપર્સમાં તેને કુલ છ ગ્રેસ માર્ક્સ આપવાનો ઓથોરિટીને આદેશ કરવામાં આવે. જોકે, આ કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે અરજદાર વિદ્યાર્થીને કોઇ પણ રાહતનો ઇનકાર કર્યો હતો. અલબત્ત, સુનાવણી દરમિયાન એક તબક્કે ઓથોરિટીને એવી ટકોર પણ કરી હતી કે, મેડિકલની સર્વોચ્ચ લેવલની પરીક્ષામાં દેશમાંથી માત્ર 56-57 વિદ્યાર્થીઓ બેસતા હોય છે, ત્યારે ઓથોરિટીએ તેમની કારકિર્દી વિશે વિચારવું જોઇએ.
હાઇકોર્ટે વિદ્યાર્થીનીની અરજી રદ કરતાં આદેશમાં નોંધ્યું છે કે,પ્રસ્તુત કેસમાં સમગ્ર મામલો એવા પ્રશ્નની આસપાસ ફરી રહ્યો છે કે શું કોર્ટ ઓથોરિટીને એવો આદેશ આપી શકે કે તેઓ પહેલાં અરજદાર વિદ્યાર્થીનીના માર્ક્સ રાઉન્ડ ઓફ કરી આપે અને ત્યારબાદ દરેક વિષયમાં વિષય દીઠ ગ્રેસ માર્ક્સ આપે. અથવા તો શું ઓથોરિટીએ વિદ્યાર્થીનીના એગ્રિગેટ માર્ક્સને રાઉન્ડિંગ ઓફ કરીને વ્યાજબી કાર્યવાહી કરી છે કે કેમ.
હાઇકોર્ટે આ પ્રશ્નનો જવાબ આપતાં આદેશમાં નોંધ્યું છે કે Dr.N.B.ના કોર્સમાં માર્ક્સને રાઉન્ડ ઓફ કરી આપવાની સ્પેસિફિક નીતિના અભાવમાં આ કોર્ટ માત્ર એ જ વાતને ધ્યાનમાં લઇ શકે કે અત્યાર સુધી આવા કિસ્સામાં કઇ પદ્ધતિ અપનાવવામાં આવતી હતી. પ્રસ્તુત કેસમાં ઓથોરિટી તરફથી માહિતી લઇને કોર્ટને જણાવવામાં આવ્યું છે કે DNB કોર્સમાં માર્ક્સને રાઉન્ડ ઓફ કરી આપવાની જે પદ્ધતિ છે એને જ Dr.N.B.ના કોર્સમાં પણ અપનાવવામાં આવે છે. જો અન્ય રીતે આ મામલો જોઇએ તો અરજદાર વિદ્યાર્થીની દ્વારા બમણી રાહત માગવામાં આવી છે. સૌથી પહેલાં તો એણે એવી દાદ માગી છે કે વિષય દીઠ એના માર્ક્સને રાઉન્ડ ઓફ કરી આપવાનો આદેશ કરવામાં આવે. બીજું જે દરેક વિષયમાં એને બે ગ્રેસ માર્ક્સ આપવામાં આવે. એટલે કે, ત્રણ વિષયના હિસાબે એને કુલ છ ગ્રેસ માર્ક્સ આપવામાં આવે. જો આ છ ગ્રેસ માર્ક્સ એને મળે તો રાઉન્ડ ઓફના 144 માર્ક્સ બાદ તેને બીજા છ માર્ક્સ મળે અને એમ તેને કુલ 150 માર્ક્સ મળી જાય.