કરોડોના કૌભાંડી BZ ગ્રૂપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપવા હાઈકોર્ટનો ઈન્કાર
BZ ગ્રુપ કંપનીના ઓઠા હેઠળ નિર્દોષ પ્રજાજનોના કરોડો રૂૂપિયા ચ્યાંઉ કરી જનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને ચાર્જશીટ પહેલાં રેગ્યુલર જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે સાફ ઇન્કાર કરી દીધો હતો. જસ્ટિસ એમ.આર.મેંગડેએ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી ફગાવી દેવાનું આકરું વલણ અપનાવતાં ઝાલાને પોતાની જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. હાઇકોર્ટે આરોપી દ્વારા નિર્દોષ નાગરિકોને છેતરીને કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવાના ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તેને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો.
BZ ગ્રુપના મહાકૌભાંડી આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની રેગ્યુલર જામીન અરજીનો સખ્ત વિરોધ કરતાં રાજ્ય સરકાર તરફથી પબ્લીક પ્રોસીક્યુટર હાર્દિક દવેએ જણાવ્યું હતું કે, આરોપીએ BZ ગ્રુપ અને તેની સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ મારફતે પોન્ઝી સ્કીમ ચલાવી ઉંચા વ્યાજની લોકોને લાલચ આપી ભોળવી તેમની પાસેથી કરોડો રૂૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં તેઓને મૂડી કે વ્યાજ પણ નહીં આપીને રાતા પાણીએ રોવડાવ્યા હતા.
આરોપીનો ઇરાદો પહેલેથી જ ફ્રોડ કરવાનો એટલે કે, લોકો સાથે ચીટીંગ અને છેતરપીંડી-વિશ્વાસઘાત કરવાનો હતો અને તેણે બહુ પદ્ધતિસરનુ આ કૌભાંડ આચર્યું હતું અને તેથી તેને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહીં.દરમિયાન BZ ગ્રુપ કંપનીના ઓઠા હેઠળ નિર્દોષ પ્રજાજનોના કરોડો રૂૂપિયા ચ્યાંઉ કરી જનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને વધુ એક ગુનામાં રેગ્યુલર જામીન આપવાનો અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સાફ ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે આરોપી ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.