રાજકોટ બાર એસો.ની ચૂંટણીના કારોબારી સભ્યની ફેર મતગણતરીનો BCGનો ઠરાવ રદ કરતી હાઇકોર્ટ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીની ગઈ તારીખ 21મી ડિસેમ્બરે યોજાયેલી મતગણતરીમાં કારોબારી સમિતિમાં 10 મતથી પરાજિત ઉમેદવારે કરેલી ફેર મતગણતરીની માગણી રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણય સામેની અપીલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ફેર મતગણતરીનો કરેલો ઠરાવ હાઇકોર્ટે નામંજુર કરતો આખરી હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામોમાં સમરસ પેનલના કિશનભાઈ બાબુભાઈ વાલ્વાને નવમા ક્રમે ચૂંટાયેલા કાર્યદક્ષ પેનલના હિરેન ડોબરીયા કરતા 10 મત ઓછા મળતા તે પરાજિત થયા હતા.
હિરેનભાઈ ડોબરીયાની 10 મતે જીત થઈ હતી. આથી કિશનભાઈ વાલ્વાએ 2100 મતોની ગણતરી ઝડપથી થયાની અને ભૂલ થયાની શંકા વ્યક્ત કરી ચુંટણી અધિકારી સમક્ષ ફેર મતગણતરી માટે તા.21/ 12/ 2024ના રોજ લેખિત અરજી કરી હતી. જે બાબતે ચુંટણી કમિશ્નરે 10 મતનો તફાવત હોઇ તેમાં ફેરફાર થવાની કોઈ શકયતાને અવકાશ નથી અને 10 મત એટલે કોઈ નાનો ડિફરન્સ ગણી શકાય નહિ તેવું જણાવી રિકાઉન્ટિંગની અરજી નામંજુર કરવામાં આવી હતી. આથી અરજદાર કિશનભાઈ વાલ્વાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી કરતા ચુંટણી અધિકારીનો ફેર મતગણતરી રદ કરવાનો આદેશ ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવી ફેર મતગણતરીનો બીસીજી દ્વારા કરાયો હતો. આથી નવમા ક્રમે વિજેતા ઉમેદવાર હિરેન ડોબરીયાએ હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટ દ્વારા ફેર મતગણતરીના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હુકમને હાલ સ્ટે કરીને આગળ સુનાવણી રાખી હતી, તેમાં હાઇકોર્ટે અરજદાર ઉમેદવાર કિશન વાલ્વા, બાર એસો., ચૂંટણી અધિકારી, બીસીજી વગેરેને તપાસવામાં આવતા તમામ હકીકતો તથા રજુઆતો લક્ષે લઈ હાઇકોર્ટ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તા.05/01/2025ના રોજ મતોની ફેર ગણત2ી ક2વા ચૂંટણી અધિકારીને આદેશ કરતો ઠરાવ રદ કરતો આખરી હુકમ ફરમાવ્યો છે. આ કામમાં કારોબારી સભ્ય હીરેન ડોબરીયા વતી હાઈકોર્ટમાં એડવોકેટ આશીષ ડગલી રોકાયા હતા.