મુસ્લિમ યુવતી-હિંદુ યુવકની લવસ્ટોરી કેસમાં પોલીસ પ્રોટેક્શનનો હાઇકોર્ટનો નિર્દેશ
મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના પ્રણયનો એક કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. આ યુગલ પુખ્તવયનું હોવા છતાંય યુવતીના સ્વજનો અને સમાજના લોકો તરફથી તેમને ધાકધમકી મળતી હોવાથી પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવા માટે હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ એપ્લિકેશન કરવામાં આવી હતી. જે કેસમાં તમામ પક્ષોની રજૂઆતને ધ્યાનમાં લેતાં અને સુપ્રીમ કોર્ટના શક્તિવાહિની અને લતાસિંહના કેસને ટાંકતા જસ્ટિસ એચ.ડી.સુથારે આદેશ કર્યો છે કે જો અરજદાર યુવતી વડોદરા પોલીસ કમિશનર અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટનો સંપર્ક કરે તો તેમણે મામલો ધ્યાનમાં લઇ યુવતીની રજૂઆતના આધારે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે અને જો જરૂૂર પડે તો યુગલને પૂરતી સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની રહેશે.
પ્રસ્તુત કેસમાં શાયરાબાનુ નામની યુવતીએ હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને એવી દાદ માગી હતી કે તે હિન્દુ ધર્મના યુવક નિલેશ સાથે પ્રેમ કરે છે અને તે બંને પુખ્તવયના હોવાથી લગ્ન કરવા ઇચ્છે છે. જોકે યુવતીના કુટુંબના સભ્યો અને સમાજના આગેવાનો કોઇ પણ ભોગે લગ્ન કરાવવાના પક્ષમાં નથી અને ઊલટાનું તેમનાથી યુગલને જોખમ છે. તેથી જ્યાં સુધી તેઓના કાયદેસરના લગ્ન ન થઇ જાય ત્યાં સુધી તેમને પોલીસ સલામતી આપવાનો આદેશ કરવામાં આવે.હાઇકોર્ટ સમક્ષ યુવતીએ એવો કેસ રજૂ કર્યો હતો કે તે નિલેશને પ્રેમ કરે છે અને બંને પુખ્તવયના હોવાથી તેમણે લગ્ન કરી એકબીજાની સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું છે. આ લગ્ન માટે તેમણે વડોદરાના સબ રજિસ્ટ્રારની કચેરીમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ અરજી કરી હતી. જે સંદર્ભની જાહેર નોટિસ ઇસ્યૂ કરી કોઇને વાંધો હોય તો રજૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાંય યુવતીનું કુટુંબ તેને બળજબરીથી ઘરે લઇ ગયું હતું અને તેને સુરત મોકલી દીધી હતી.
કુટુંબના સભ્યોને બળજબરી કરીને લગ્નની નોંધણી માટેની અરજી પરત ખેંચી લેવડાઇ હતી. પરંતુ યુવતી પુખ્ત હોવાથી તે પોતાની પસંદગીના યુવક સાથે જ લગ્ન કરવા માગે છે. જેના કારણે તેના પરિવાર વાળાઓ જ તેના દુશ્મન બની ગયા છે અને યુગલને જીવનું જોખમ ઊભું થયું છે. ઉક્ત કેસમાં થયેલી રજૂઆતો અને કેસના તથ્યોને ધ્યાનમાં લેતાં હાઇકોર્ટે વડદોરા પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યા છે કે અરજદાર યુવતી તરફથી અરજી કરવામાં આવે તો એમાં કાયદા મુજબની કાર્યવાહી કરી પોલીસ સલામતી પૂરી પાડવાની રહેશે.