ભારે વાહનોને પ્રવેશબંધી મામલે હાઈકોર્ટ લાલઘૂમ, માત્ર કાગળ પર નહીં નક્કર કામ કરો
ડીજીપી અને આરટીઓ સહિતના અધિકારીઓને હાઈકોર્ટનું તેડું: શહેરમાં બેરોકટોક ઘૂસી જતી ખાનગી બસો સામે કાર્યવાહી કરવા આદેશ
ગુજરાતમાં વધતાં જતાં અકસ્માતના બનાવોમાં બે વાહનો વચ્ચે થયેલા અકસ્માત કેસમાં વળતર મુદ્દે જવાબદારી અંગેના કેસમાં હાઈકોર્ટે સરકારની જાટકણી કાઢી છે અને ભારે વાહનોના પ્રવેશબંધી મામલે હાઈકોર્ટ લાલઘુમ થઈ હતી અને પોલીસને માત્ર કાગળ ઉપર જ નહીં પણ નક્કર કાર્યવાહી કરવા આદેશ કરી ગૃહવિભાગનાં ડીજીપી તથા આરટીઓ સહિતના જવાબદાર અધિકારીઓને આગામી કોર્ટ મુદતમાં હાજર રહેવા ફરમાન જાહેર કર્યું છે.
હાઈકોર્ટે કરેલી હુકમમાં ભારે વાહનોની પ્રવેશબંધી છતાં બે રોકટોક આવા વાહનો શહેરમાં ઘુસી જતાં હોય જેને લઈને કોર્ટે જવાબદાર અધિકારીઓને કડક સુચના આપી છે તેમજ હાઈકોર્ટે પોલીસને વેધક સવાલ પણ કર્યો છે જેમાં શું પોલીસને માત્ર ખાનગી વાહનોને દંડવા માટે છે ?
નિયમો શું બધા માટે અલગ હોય છે ? તેવું જણાવી હાઈકોર્ટે એક વાહનને રોકી 10 પોલીસ કર્મચારીઓ તેને ઘેરીને ઉભા હોય છે તે બાબતને લઈને હાઈકોર્ટે આવી કામગીરીનો ઉદ્દેશ શું ? તેવો પણ સવાલ કર્યો હતો. વધતાં જતાં અકસ્માતો અને ભારે વાહનો બેફામ ગતિએ દોડી રહ્યાં છે ત્યારે આ મામલે હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓને ટકોર કરી 15 દિવસમાં કામગીરી બતાવવા સુચના આપી છે અને કાયદો અને વ્યવસ્થા સાચવવા માટેની પણ ટકોર કરી છે.
હાઈકોર્ટના ન્યાયાધીશે ભારે વાહનોની શહેરમાં બેરોકટોક ઘુસણખોરી બાબતે જણાવ્યું કે, લકઝરી બસ શહેરમાં બેરોકટોક આંટા મારે છે તેનું શું કરવા માંગો છો ? જ્યારે એક ટુ વ્હીલર પટ્ટાની બહાર હોય તો તુરંત જ ઉપડી જાય છે. જ્યારે મોટી લકઝરી બસ તમને કેમ દેખાતી નથી. જીપ અને રીક્ષા ઉપરાંત સ્કૂલે બાળકોને લઈ જતાં વાહનો બાબતે પણ હાઈકોર્ટે ટકોર કરી હતી જેમાં સીએનજીની ટાંકી ઉપર બેસેલા માસુમ ભુલકાઓ અને રીક્ષાની બહાર લટકતા બાળકોને જોયેલા છે ત્યારે આવા સ્કૂલ વાહન ચાલકો સામે શા માટે કાર્યવાહી ન કરી શકાય ? 500 વાહનોમાંથી તમે કોઈ પાંચ વાહનો કે જે કાયદેસર નિયમનો ભંગ કરતાં હોય તેને પકડો તે બાબત યોગ્ય છે.
હાઈકોર્ટે ભારે વાહનોની પ્રવેશબંધીને લઈને ખુબ ગંભીરતા દાખવી આરટીઓ અને પોલીસ વિભાગને 24 કલાક માટે ચેકીંગની કામગીરી માટે સ્ટાફ ભરવો હોય તો તાત્કાલીક ભરતી કરો પરંતુ અમને કામગીરી કરીને આપો તેવું સ્પષ્ટ જણાવી દીધું છે. તેમજ સરકારને ત્રણ અઠવાડિયામાં આ મામલે સોંગદનામુ દાખલ કરીને નક્કર કાર્યવાહીની માહિતી આપવા પણ જણાવાયું છે. હાઈકોર્ટે વિમા વગરના વાહનો, ખાનગી લકઝરી બસો તેમજ રીક્ષા સહિતના વાહનો મામલે ખુલાસો કરવા પણ આદેશ કર્યો છે.