2933 કરોડના GST બોગસ બિલિંગ કૌભાંડમાં સોની વેપારીને જામીન મુકત કરતી હાઇકોર્ટ
રાજકોટની સોની બજારમાં પેઢી ધરાવતા સોની વેપારીની રૂ.2933 કરોડના જી.એસ.ટી. બોગસ બિલીંગ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. જી.એસ.ટી. બોગસ બિલીંગ કૌભાંડમાં માસ્ટર માઈન્ડ સોની વેપારી હિતેશ લોઢીયાને જામીન ઉપર મુક્ત કરવા હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
રાજકોટ સોની બજારમાં મે. આસ્થા ટ્રેડિંગ કંપની નામની પેઢીના પ્રોપરાઇટર આરોપી હિતેશ લોઢીયા પોતાની પેઢીમાં ગોલ્ડ તથા સિલ્વર બારના વેચાણનો ધંધો કરતા હતા. તેઓના ધંધાના સ્થળે ડી.જી.જી.આઈ. રાજકોટ વિભાગ દ્વારા ગુપ્ત માહિતીના આધારે તારીખ 11-12/10/2023ના રોજ દરોડા પાડવામાં આવેલ અને સર્ચ-સીઝર ઓપરેશન હાથ ધરવામાં આવેલ. સર્ચ ઓપરેશનના અંતે ડી.જી.જી.આઈ. દ્વારા થોકબંધ વાંધાજનક સાહિત્ય, લેપટોપ તથા મોબાઈલ ફોન વિગેરે જપ્ત કરવામાં આવેલ. વાંધાજનક સાહિત્ય પરથી ડી.જી.જી.આઈ.ને મળેલ વિગતો મુજબ આરોપી દ્વારા જે જે પેઢીઓ પાસેથી ખરીદીઓ કરવામાં આવેલ તે પેઢીઓ પૈકી મોટાભાગની પેઢીઓ ધંધાના સ્થળ ઉપર મળી આવેલ ન હતી. જેથી આવી પેઢીઓના નોંધણી નંબર પણ જી.એસ.ટી. વિભાગ દ્વારા રદ કરવામાં આવેલ. વધુમાં 650 કરોડ રૂૂપિયાની ખરીદીનું પેમેન્ટ લાંબો સમય થઈ ગયેલ હોવા છતાં પણ કરવામાં આવેલ નથી જે ગોલ્ડ અને સિલ્વર જેવી પ્રીસીયસ મેટલના વેપારમાં શક્ય નથી. વધુમાં આરોપી દ્વારા વર્ષ 2017-18 થી 2022-23 દરમ્યાન 41.18 કરોડ જેવી માતબર રોકડ રકમ પોતાની પેઢી આસ્થા ટ્રેડિંગ કંપનીના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવેલ હોય જેનો કોઈપણ યોગ્ય ખુલાસો આરોપી ન આપી શકેલ. ઉપરાંત સ્થળ તપાસ દરમિયાન ડી.જી.જી.આઈ.ને સ્થળ ઉપર એકપણ રૂપિયાનો માલ કે સ્ટોક ન મળી આવેલ. ઉપરોક્ત તમામ હકીકતો ધ્યાને આવતા ડી.જી.જી.આઈ. એવા નિષ્કર્ષ પર પહોંચેલ કે આવી બાબતો બોગસ બિલીંગ પ્રવૃત્તિ ચાલતી હોય તો જ શક્ય બને. ડી.જી.જી.આઈ. દ્વારા આરોપી હિતેશ લોઢીયાની જી.એસ.ટી. કાયદાની કલમ 132(1)(બી) તથા 132(1)(સી) ના ગુના સબબ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ. ત્યારબાદ જામીન ઉપર મુક્ત થવા આરોપી દ્વારા પોતાના વકીલ મારફત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંન્ને પક્ષોની દલીલોના અંતે બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને હાઇકોર્ટ દ્વારા અરજદાર આરોપી હિતેશ લોઢીયાને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવ્યો હતો.આ કેસમાં આરોપી હિતેશ લોઢીયા વતી હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ. એન. મહેતા અને એડવોકેટ જયદીપ. એમ. કુકડિયા રોકાયા હતા.