પોકસોના ગુનામાં આજીવન સજાનો હુકમ સ્થગિત કરી આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટ
શહેરમાં રહેતા પરિવારની સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં સેશન્સ કોર્ટે ફરમાવેલી આજીવન સજાનો હુકમ સ્થગિત કરી જામીન ઉપર મુકત કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ પરસાણાનગર વિસ્તારમાં રહેતા આરોપી રોહીત ભાવેશભાઈ ચૌહાણે 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરના જેસવાડા ગામ સહિત અલગ અલગ સ્થળે લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો.
જે અંગે પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપી રોહીત ચૌહાણની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસ ચાલી જતા સેસન્સ કોર્ટે આરોપી રોહીત ચૈાહાણને આજીવન સજાનો હુકમ ફરમાવ્યો હતો. સેશન્સ કોર્ટના સજાના હુકમ સામે આરોપીએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઈકોર્ટે સેશન્સ કોર્ટનો સજાનો હુકમ સ્થગિત કરી આરોપી રોહીત ચૌહાણને જામની ઉપર મુકત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ પિયુષ ડી. ગોહીલ રોકાયા હતા.