ચંડોળા તળાવના ડિમોલિશનને હાઇકોર્ટની લીલીઝંડી, રોક માટેની અરજીને કોર્ટે ફગાવી
કાનૂની નીતિ-નિયમો વિરૂદ્ધ ડિમોલિશન થઇ રહ્યાની 18 અરજદારોની રજૂઆત, નોટિસો આપ્યા વગર ડિમોલિશન કરાયાનો આક્ષેપ
ગેરકાયદે વસાહતમાં ડ્રગ્સ-પ્રોસ્ટિટ્યૂશન અને આતંકી સંગઠનો સાથેની સાંઠગાઠ બહાર આવ્યાની સરકારની દલીલ, મનીલોન્ડરિંગના પણ અનેક ગુના
અમદાવાદનાહ ચંડોળા તળાવ વિસ્તારમાં મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતી દોઢ લાખ ચોરસ મીટર જમીનમાં ખડકાઇ ગયેલી આખી વસાહત તોડી પાડવા આજે સવારથી તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે હાઇકોર્ટમાં સ્ટેની માંગણી કરવામાં આવતા હાઇકોર્ટ મનાઇ હુકમ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. 18 જેટલા સ્થાનિક લોકોએ કરેલી અરજીની હાઇકોર્ટમાં અરજન્ટ સુનાવણી હાથ ધરાઇ હતી.
અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. આ મામલે કરતા હાઇકોર્ટે આ અરજી નકારી કાઢી ડિમોલિશનને લીલી ઝંડી આપી દીધી છે.
અરજદારના એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, 18 ભારતીયોએ ડિમોલિશન સ્ટે માટે અરજી કરી હતી. હાઇકોર્ટે સ્ટે આપવાની મનાઈ કરી હતી. જો કે તેમના પુનર્વસન માટે આગામી સમયમાં અરજી કરી શકે છે. જો ગેરકાયદેસર રીતે રહેતા હોય તો પણ 15 દિવસની નોટિસ આપવી જોઈએ. બાંગ્લાદેશી છે કે નહીં તે નક્કી કરવાની બાબત પોલીસની નથી. અરજદારો 50 વર્ષથી અહીં રહે છે.
પહેલગામ હુમલા બાદ જ કેમ કાર્યવાહી કરાઈ? પોલીસે પકડેલા મોટાભાગના લોકો બાંગ્લાદેશી નહીં ભારતીય નીકળ્યા છે. પોલીસ બાંગ્લાદેશી હોવાનું સ્વીકારવા માટે શોક આપવા જેવા કાર્યો કરે છે.
જયારે સરકારે રજૂઆત કરી કે, ડ્રગ્સ, પ્રોસ્ટિટ્યૂશન, અને આતંકી સંગઠનો સાથેની સંડોવણી સામે આવી છે. આ નેશનલ સિક્યુરિટી માટે થ્રેટ છે. બાળકોને પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલવામાં આવી રહ્યાં છે.
ચાર બાંગ્લાદેશીઓની અલ કાયદા સાથેની સંડોવણી બહાર આવી છે, જેની ધરપકડ કરાઈ છે. પરંતુ રાષ્ટ્રીય સિક્યુરિટીને જોતા તેની સંપૂર્ણ માહિતી સરકારે આપી નથી. ડ્રગ્સ, ખોટા કાગળિયા બનાવવા, મની લોન્ડ્રિંગ જેવા ગુન્હાઓ પણ ચંડોળા તળાવમાં થતા હતા.
સીપી કચેરીમાં હર્ષ સંઘવીની બેઠક, કમાન્ડ એન્ડ ક્ધટ્રોલરૂમમાંથી નિરીક્ષણ
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં મીની બાંગ્લાદશ જેવી ગેરકાયદેસર વસાહતના બે હજાર જેટલા મકાનો તોડી પાડવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ દોડીગયા હતાં અને ત્યાં ડી.જી.પી. વિકાસ સહાય, સી.પી. જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સમગ્ર સ્થિતિની માહિતી મેળવી હતી. આ ઉપરાંત ગૃહમંત્રીએ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ રૂમમાં જઈ ડ્રોન સર્વેલન્સની મદદથી ડિમોલેશનની સમગ્ર કાર્યવાહી નિહાળી હતી.