અંગ્રેજી ભણાવવા માતા પાસેથી કસ્ટડી માંગતી પિતાની અરજી ફગાવતી હાઇકોર્ટ
જીવનમાં આગળ વધવા અને પ્રગતિ-વિકાસ કરવા માટે અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરવો જરૂૂરી હોવાની દલીલના આધાર પર બાળકની કસ્ટડી માંગનાર એક પિતાની દલીલને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ મૌલિક શેલતની ખંડપીઠે ધરાર ફ્ગાવી દીધી હતી. ખંડપીઠે સાફ્ શબ્દોમાં જણાવ્યું હતું કે, જીવનમાં પ્રગતિ કરવા માટે બાળપણથી જ અંગ્રેજી માધ્યમની શાળામાં જ અભ્યાસ કરવો એ મતલબની દલીલ અસ્થાને છે.
શાળાકીય શિક્ષણમાં બાળક કોઇપણ માધ્યમમાં ભણે તેનો જીવનના વિકાસ કે પ્રગતિ પર કોઇ બાધ હોતો નથી. સાથે સાથે હાઇકોર્ટે બાળકની કસ્ટડી જેવા સંવેદનશીલ કેસોમાં એજન્ટ તરીકે કામ નહી કરવા પોલીસને પણ કડક ચેતવણી આપી હતી. અને આવી બાબતોનો નિર્ણય ફેમીલી કોર્ટ પર છોડી દેવો જોઇએ. તેમજ ફેમીલી કોર્ટનાં હુકમને બહાલ રાખ્યો હતો.ચાર વર્ષની પુત્રની કસ્ટડી માતાને સોંપવા અંગેના ફેમીલી કોર્ટના હુકમને પડકારતી અરજદાર પિતા દ્વારા કરાયેલી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટે ફ્ગાવી દીધી હતી અને ફેમીલી કોર્ટના હુકમને બહાલ રાખ્યો હતો. અરજદાર પિતા તરફ્થી બાળકીની કસ્ટડી માટે મુખ્ય એવી દલીલો રજૂ કરાઇ હતી કે, તેઓ પુત્રીની સારસંભાળ રાખવામાં અને તેને શિક્ષણ આપવામાં આર્થિક રીતે વધુ સક્ષમ છે, જયાં બાળકીની માતા રહે છે ત્યાં કોઇ અંગ્રેજી માધ્યમની શાળા નથી અને જીવનમાં આગળ વધવા માટે કે પ્રગતિ કરવા માટે નાનપણથી જ બાળવયથી શાળાકીય શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં કરવું ખૂબ જરૂૂરી છે.
જો બાળકીની કસ્ટડી તેમને અપાય તો, તેને અંગ્રેજી માધ્યમની શાળામાં સારું શિક્ષણ લેવાની તક મળશે. બીજી બાજુ માતા તરફ્થી જણાવાયું હતું કે, અરજદાર પિતા દારુ પીવાની ટેવવાળો હતો અને તે સતત તેની સાથે ઝઘડો કર્યા કરતો હતો. તે પોતાની પુત્રીની સારી રીતે સંભાળ લેવા માટે સક્ષમ છે અને તેથી પુત્રીની કસ્ટડી પોતાને અપાવતો ફેમીલી કોર્ટનો હુકમ યોગ્ય અને વાજબી છે. માતા તરફ્થી એ મુદ્દે પણ ધ્યાન દોરાયું કે, તેની સામે ચોરીની ખોટી ફરિયાદ દાખલ કરાઇ હતી અને પોલીસે તેને આ ગુનામાં પોલીસ સ્ટેશનમાં બોલાવી ધમકાવી હતી અને ગુનો કબૂલવા ધમકી આપી પુત્રીનો કબ્જો લઇ પિતાને આપી દીધો હતો.
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, માતા સ્નાતક હતી અને તે તેની પુત્રીને બુનિયાદી શિક્ષણ આપવા માટે પૂરતી સક્ષમ હતી. માતાના વિસ્તારમાં કોઇ અંગ્રેજી માધ્યમની શાળા નથી અને તેથી પુત્રીના ભવિષ્યને અસર થઇ શકે છે તેવી અરજદાર પિતાની દલીલ હાઇકોર્ટે ફ્ગાવી હતી અને જણાવ્યું હતું કે, બાળકના કલ્યાણનો નિર્ણય શાળાકીય શિક્ષણના માધ્યમથી થવો જોઇએ નહી. ખાસ કરીને બાળક જયારે નાનું હોય.