હાઈકોર્ટે પાંચ દિવસનું વેકેશન જાહેર કરતા વકીલોમાં નારાજગી
જિલ્લા-તાલુકાની અદાલતોમાં હાઈકોર્ટ દ્વારા આ વર્ષે પાંચ દિવસનું વેકેશન અપાયું છે. જેને લઈ રાજયના વકીલ આલમમાં વેકેશનના દિવસો વધારવા માંગણીનો સૂર ઉઠયો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સળંગ 9થી 10 દિવસનું વેકેશન આપવા માંગ કરાઈ છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલ ,વાઈસ ચેરમેન મુકેશ સી. કામદાર, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન નલીન ડી. પટેલ તથા ફાઈનાન્સ કમીટીના ચેરમેન અનીલ કેલ્લાએ જણાવ્યું હતું કે, દિવાળીના સત્રમાં સામાન્ય ક્રમમાં તાલુકા અને જિલ્લાની અદાલતોમાં 10 દિવસનું સળંગ વેકેશન આપવામાં આવે છે.પરંતુ વર્ષે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તા.29/10/24થી તા.2/11/2024 સુધી એમ 5 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવેલ છે. નીચલી અદાલતોમાં કયારેય દિવાળી સિવાય સળંગ 9થી 10 દિવસનું ધારાશાસ્ત્રીઓને વેકેશનનો સમયગાળો મળતો નથી. રાજ્યમાં દિવાળી મહાપર્વ તરીકે ઉજવાય છે. દિવાળીના અરસામાં ધારાશાસ્ત્રીઓ પોતાના કુટુંબીજનો સાથે સહેલાઈથી ધાર્મિક પ્રસંગોમાં ધાર્મિક જગ્યાએ તેમજ સામાજીક કામો કરી શકતા હોય છે.
જુદા જુદા તાલુકા અને જીલ્લાના બાર એસોસીએશનો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આ બાબતે રજુઆતો કરવામાં આવેલ જેમાં હાઈકોર્ટ દ્વારા તા.4/11/2024 તા.5/11/2024 અને તા.6/11/24 સુધી જો દિવાળી વેકેશન લંબાવી આપવામાં આવે તો તેના વિકલ્પે તાલુકા અને જીલ્લા અદાલતોના ધારાશાસ્ત્રીઓ બીજા અને ચોથા શનિવારે પણ હાઈકોર્ટને વ્યવસાયીક સેવા બજાવવા માટે પોતાની તૈયારી બતાવેલ છે.
જેથી આવા સંજોગોમાં ગુજરાતના તાલુકા અને જીલ્લાની અદાલતોમાં ધારાશાસ્ત્રીઓને સળંગ 9થી 10 દિવસનું દિવાળી વેકેશન મળી રહે તે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી ગુજરાતની વડી અદાલતના ચીફ જસ્ટીસને રજીસ્ટ્રાર જનરલ મારફતે દિવાળીની રજાઓ લંબાવી આપવા લેખીત માંગણી કરાઈ છે. તેમ બીસીજીના ઈન્ચાર્જ સેક્રેટરી સિધ્ધિ ડી. ભાવસારની યાદીમાં જણાવાયું છે.