For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાલો માનવીયું તરણેતરના મેળે જો… હાલો રે હાલો તરણેતર મેળે જઈએ

11:38 AM Sep 05, 2024 IST | admin
હાલો માનવીયું તરણેતરના મેળે જો… હાલો રે હાલો તરણેતર મેળે જઈએ

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં કાલથી ભાતીગળ મેળામાં પ્રારંભ

Advertisement

‘મેળો’ નામ સાંભળતાની સાથે જ નાના - મોટા ચકડોળ, અવનવા રમકડાંઓથી ભરપૂર સ્ટોલ, નવા નવા કપડાંમાં સુસજ્જ માનવ મહેરામણ નજર સામે તાદર્શ થઈ જાય. મેળો એટલે હળવા મળવા માટે પરંપરાગત રિવાજ મુજબ નિયત કરેલા સ્થળે ભેગા થવું.

ધર્મની ધજા ફરકાવતા ધાર્મિક સ્થળોએ માનવ મહેરામણ એકઠો થાય છે. મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. પમેળોથ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. દરેક મેળાની સાથે તેના મહાત્મ્ય અને જે તે સ્થળની પ્રાચીનતાનો ઇતિહાસ સંકળાયેલો હોય છે. આજે મેળો એક ઉત્સવ બની ગયો છે, જેમાં અબાલવૃદ્ધ સૌ કોઈ ઉમંગભેર ભાગ લે છે. દેશનું પ્રત્યેક રાજ્ય આવા મેળાઓથી સભર છે જેમાં ગુજરાતને શિરમોર ગણી શકાય. મેળામાં લોકજીવનનો ઉમંગ ઉત્સાહ, લોકસંસ્કૃતિની રંગીન કલાત્મક્તાનો સ્વાભાવિક આનંદ છતો થાય છે.

Advertisement

ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.

તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂૂઆત થાય. ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે, યૌવન ખીલે અને રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે. ટીટોડો અને હૂડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે. ત્યારબાદ ઋષિપાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.

આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે. આ વર્ષે તરણેતર મેળો 06 સપ્ટેમ્બરથી 09 સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાશે.

સૌરાષ્ટ્રની જે શૂરવીર જાતિઓ બહારથી સ્થળાંતર થઈને આવી તે સૌ પહેલાં પાંચાળમાં આવી અને પછી સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં જઈ વસવાટ કર્યો. પ્રાગૈતિહાસિક કાળથી આ વિસ્તાર માલધારીઓનો વસવાટ રહ્યો છે. માલધારીઓનું જીવન એ સંપૂર્ણ લોકજીવન છે. એમની લોકસંસ્કૃતિ, અસ્મિતા એમણે પરંપરાથી જ ટકાવી રાખી છે. તેનું દર્શન પાંચાળમાં થાય છે. પાંચાળ ભૂમિની તળપદા કોળી જ્ઞાતિમાં આ મેળાનું સૌથી વધુ મહત્ત્વ છે. એક તરણેતરનો મેળો જાય, કે તરત જ બીજા મેળાની તૈયારી શરૂૂ થઈ જાય.

પહેલાના સમયમાં બળદ માટેના શણગાર અને અમુક અમુક ગામના બળદગાડા વખણાતા હતા. તરણેતરનાં મેળામાં રંગબેરંગી ભરત ભરેલ, મોતી, બટનીયાં, આભલાં અને ફૂમતા- રૂમાલથી શણગારેલી છત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા હોય છે. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રોકાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement