હરભોલે મિનરલ વોટરની બોટલો અને જારમાં શેવાળ મળતા પ્લાન્ટ સીલ
જામનગરમાં બોટલો અને જારમાં મિનરલ વોટરના નામે ગમે તે પ્રકારનું પાણી વેચનારા વિરુદ્ધ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આકરી કાર્યવાહી કરી છે અને પ્લાન્ટ બંધ કરાવી દીધો છે. આ ધંધાર્થીઓ એટલું ગંદુ પાણી વેચી રહ્યા છે કે, આ પાણીથી શહેરમાં રોગચાળો ફેલાઈ શકે છે. મિનરલ વોટરના સંખ્યાબંધ ધંધાર્થીઓ ફાવે તે રીતે ગમે તે પ્રકારનું ગંદુ પાણી વેચી રહ્યા છે, આ ધંધાર્થીઓની બોટલો અને જાર એકદમ ગંદી અને શેવાળવાળી હોય છે, આ ધંધાર્થીઓ મિનરલ વોટર ખરીદનારાઓ સાથે દાદાગીરી પણ કરતાં હોય છે.
આ અંગે મહાનગરપાલિકાની ફૂડ શાખાને પણ ફરિયાદો મળી હતી. જે અનુસંધાને કાલે બુધવારે મહાનગરપાલિકાએ શહેરના ગોકુલનગર વિસ્તારમાં એક ધંધાર્થી વિરુદ્ધ કાર્યવાહી કરી તેનો મિનરલ વોટર પ્લાન્ટ બંધ કરાવી દેતાં આ પ્રકારના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે. મહાનગરપાલિકાની ફૂડ શાખાએ કાલે બુધવારે ગોકુલનગર નજીકના રડાર સ્ટેશન નજીક આવેલાં હરભોલે વોટર સપ્લાયરના રહેણાંક મકાનમાં આવેલાં પ્લાન્ટ પર દરોડો પાડી અનિયમિતતાઓના કારણોસર આ પ્લાન્ટ બંધ કરાવી દીધો છે. ફૂડ શાખાના અધિકારીઓ દશરથ પરમાર અને નિલેશ જાસોલિયાની ટીમે આ દરોડો પાડ્યો હતો.
અધિકારીઓએ આ પ્લાન્ટના સંચાલક જીગ્નેશ ગોસ્વામીને કડક સૂચનાઓ આપી કહ્યું છે કે, તમારે પાણીની તમામ બોટલો અને જાર નવી ખરીદવાની રહેશે, શેવાળ જામેલી બોટલોમાં પાણી ભરી કે વેચી શકાશે નહીં. આ ઉપરાંત પાણીના કલોરિનેશન અને પાણીની ગુણવત્તા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, આ પ્લાન્ટના મિનરલ વોટરનો રિપોર્ટ ઓકે આવ્યા બાદ જ પ્લાન્ટનું પાણી વેચી શકાશે. ફૂડ શાખાની આ કડક કાર્યવાહીને કારણે મિનરલ વોટરના ધંધામાં લાલિયાવાડીઓ ચલાવતા તત્વોમાં ફફડાટ પેસી ગયો છે. આ ઉપરાંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, મિનરલ વોટરના કેટલાંક ધંધાર્થીઓ ગ્રાહકોની સાથે ઉદ્ધત વર્તન પણ કરતાં હોય છે અને પાણીની બોટલ તૂટી જવા જેવા કોઈ કિસ્સાઓમાં આ ધંધાર્થીઓ ગ્રાહકો સાથે દાદાગીરી કરી જૂની બોટલ તૂટી હોય તો પણ નવી બોટલની કિંમત વસૂલતા હોવાની પણ ફરિયાદો ઉઠતી રહે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં હાલ રોગચાળા જેવી સ્થિતિ નિર્માણ થયેલી હોય, મિનરલ વોટર ખરીદતા ગ્રાહકોએ પણ યોગ્ય ગુણવત્તા ધરાવતા પાણીની ખરીદી કરવી જોઈએ અને આડેધડ ધંધો કરતાં આવા ધંધાર્થીઓની સાન ઠેકાણે લાવવી જોઈએ.