શહેરી વિસ્તારમાં હેલ્મેટ મુક્તિ જરૂરી: ગોવિંદ પટેલ
નિયમોમા સુધારો કરવા અને કોર્ટમાં પણ વિનંતી કરવા ભાજપના પૂર્વ મંત્રીનો મુખ્યમંત્રીને પત્ર
રાજકોટમાં આગામી તા.8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવાની પોલીસ દ્વારા જાહેરાત કરાવામાં આવી છે. ત્યારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય અંગે ફેર વિચારણા કરવા અને આ અંગે કોર્ટમાં પણ વિનંતી કરવા રાજકોટના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલે મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
ગોવિંદભાઇ પટેલે લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, ગુજરાત હાઈકોર્ટ હેલ્મેટના કાનુનને અસરકારક બનાવવા માટે તા. 08/09/2025થી અમલ કરવાનું સરકારને ફરમાન કરેલ છે. જે મહામુલી માનવ જીંદગીને કમોતે મરતા અને હેમરેજથી મુત્યુને ભેટતા ટુ વ્હીલર ચાલકોના હિતમાં નિર્ણય આપેલ છે જે આવકાર દાયક છે. પેપરમાં આપેલ આંકડાઓ પણ તેની પુર્તતા કરે છે.
પરંતુ તેના અમલમાં કેટલીક મુશ્કેલીઓ પણ છે. જે આપના ધ્યાને મુકું છું,જે આપ સાહેબ હાઈકોર્ટમાં તે અંગે કેટલીક રાહત માંગો તો તેનો ન્યાયિક ઉકેલ આવી શકે. ખાસ કરીને શહેરી વિસ્તાર પુરતો અમલ ન થાય કારણ કે શહેરી વિસ્તારમાં વાહન 15થી 20 કી.મીની ઝડપથી વધારે ચલાવવું ટ્રાફિકને કારણે શક્ય નથી. તેથી માનવ જીંદગી જોખમાય તેવા અકસ્માતનો સંભવ નથી, બીજું પિત પત્ની અને એક કે બે બાળકને લઈને બજારમાં ખરીદી કરવા માટે જાય ત્યારે તે હેલ્મેટની સમસ્યા વધી જાય છે, ટુ વ્હીલર પાર્ક કરીને 50થી 300 મીટર બજારમાં ચાલીને જવાનું હોય ત્યારે બાળકને સાચવવા, હેલ્મેટને સાચવવી કે શોપિંગ કરવું ખુબજ અઘરું બની જાય છે તેમજ 15થી 20ની સ્પીડથી ચાલતા વાહન અકસ્માતમાં હેમરેજ થાય તેવી શક્યતા પણ નહીવત છે.
હા એ વાત ખરી કે સીન સપાટા કરનાર રીલ ઉતારનાર અને બે ફીકરાઈથી ફૂલ સ્પીડે ચલાવતા કોઈ વ્યક્તિનું અકસ્માત થાય તેવા કિસ્સાઓને બાદ કરતા અને ટુ વ્હીલર ને ફોરવ્હીલર ટક્કર મારે અને અકસ્માત થાય તેવા કિસ્સાઓ જે બને છે તેના કારણે બધા જ ટુ વ્હીલરોને તેનો ભોગ બનવું પડે તેવું મારું માનવું છે. શહેરી વિસ્તાર પૂરતા કોર્ટમાં રીક્વેસ્ટ કરીને મુક્તિ અપાવવી જોઈએ તેમ મારું અંગત માનવું છે હા શહેરની બહાર હાઇવે ઉપર તેનો અમલ થાય તે આવશ્યક છે. તેમ પણ હું માનું છું. આપ આ અંગે લીગલી શું કરી શકાય તે બાબતે ઘટતું કરશો તેવી વિનંતી ગોવિંદ પટેલે મુખ્યમંત્રીને કરી છે.