સરકારી કર્મચારીઓ સામે હેલ્મેટની સતત ત્રીજા દિવસે ડ્રાઈવ, 74 કર્મચારીઓ દંડાયા
રેલવે હોસ્પિટલ, ઇન્કમટેક્ષ કચેરી, પોલીસ હેડક્વાર્ટર, બહુમાળી ભવન સહિતની સરકારી કચેરીઓ બહાર પોલીસનું ચેકિંગ
પોલીસ ડ્રાઈવથી સરકારી કર્મચારીઓ કચેરીની દૂર પોતાના વાહનો પાર્ક કરીને ચાલતા જ કચેરી પર આવ્યા
સરકારી કર્મચારીઓને હેલ્મેટ ફરજીયાત પહેરવા અંગે રાજ્ય પોલીસ વડાએ જાહેર કરેલ પરિપત્ર બાદ સરકારી કર્મચારીઓ સામે આજે ત્રીજા દિવસે પણ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં સવાર થી બપોર 12 વાગ્યા સુધીમાં 74 કર્મચારીઓ દંડાયા હતા. કેટલાક કર્મચારીઓ બાઈક કે સ્કુટર લઈને આવતા તેમને રસ્તામાં જ તેમના સાથી કર્મચારીઓએ ફોન કરીને પોલીસ ડ્રાઈવ અંગે માહિતી આપી દીધી હતી. આથી આવા કર્મચારીઓ કચેરીની દૂર પોતાના વાહનો પાર્ક કરીને ચાલતા જ કચેરી પર આવ્યા હતા.
ગુજરાતનાં ડીજીપી દ્વારા સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સતત ત્રણ દિવસથી વિવિધ સરકારી કચેરીઓ બહાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરના રેલ્વે હોસ્પિટલ, ઇન્કમટેક્ષ કચેરી, પોલીસ હેડક્વાર્ટર, બુહુમાળી ભવન સહિતની સરકારી કચેરીઓ બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખાસ હેલ્મેટનાં નિયમનો ભંગ કરવા બદલ અનેક સરકારી કર્મચારીઓ અને મુલાકાતીઓ પણ દંડાયા હતા.
બપોરે 12 વાગ્યા સુધીમાં 74 સરકારી કર્મચારીઓ દંડાયા હતા રેલ્વે પ્રોટેકશન ફોર્સ (આર.પી.એફ)ના જવાન પાસેથી પણ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરી દરમિયાન કેટલાક કર્મચારીઓ પોતાના વાહન કચરી બહાર જ પાર્ક કરવા લાગ્યા હતા. પોલીસનું આ અભિયાન માત્ર દંડ વસૂલવા પૂરતું સીમિત નથી, પરંતુ કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે પણ છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની રાહબરી હેઠળ એસીપી જે.બી.ગઢવી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે.