હજૂ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: દરિયો નહીં ખેડવા ચેતવણી
સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસશે, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે
રવિવારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. આ સાથે અમદાવાદમાં પણ આખો દિવસ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. રવિવારે હવામાન વિભાગે ગુજરાતમાં 30મી ઓગસ્ટ સુધી કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં આજે 25મી ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે, આજે સોમવારે 25મી તારીખના રોજ મોરબી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે કચ્છ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે મંગળવારે 26મી તારીખે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે.
ગણેશ ચતુર્થી અને પર્યુષણના પવિત્ર દિવસોમાં પણ વરસાદ મન મૂકીને વરસી શકે છે. તહેવારના પ્રસંગે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળે છે, તેવા સમયમાં વરસાદને કારણે કાર્યક્રમોમાં વિક્ષેપ આવવાની અને જનજીવન પર અસર થવાની શક્યતા છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 30મી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.