કલ્યાણપુર તાલુકામાં મુશળધાર છ ઈંચ સાથે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
- દ્વારકામાં ધોધમાર પાંચ ઈંચ વરસાદથી પાણી પાણી... -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી મુકામ રહ્યો છે. જેમાં દ્વારકા તાલુકામાં આજે ચાર સહિત કુલ પાંચ ઈંચ વરસાદ વચ્ચે ગઈકાલે સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ બાદ આજે પણ સવારે વધુ 3 ઈંચ (75 મી.મી.) સાથે છ ઈંચ (151 મી.મી.) પાણી વરસી ગયું હતું. જેના પગલે અનેક નદી-નાળામાં ઘોડાપૂર આવ્યા હતા.
દ્વારકા પંથકમાં ગઈકાલે શુક્રવારે એક ઈંચ બાદ આજે પણ સવારે ધોધમાર ઝાપટા રૂપે ચાર ઈંચ (102 મી.મી.) પાણી વરસી જતા કુલ પાંચ ઈંચ (126 મી.મી.) વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડમાં શુક્રવારે અડધો ઈંચ તેમજ આજે પણ વધુ 32 મી.મી. સહિત કુલ બે ઈંચ (49 મી.મી.) પાણી પડી ગયું હતું.
ખંભાળિયામાં ગઈકાલે માત્ર 8 મી.મી. વરસાદ વરસી જવા પામ્યો હતો. અત્યારે આજે સવારે પણ ભારે ઝાપટા રૂપે અડધો ઈંચ (12 મી.મી.) પાણી વરસી ગયું હતું.કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારો લાંબા, ભોપલકા, પટેલકા વિગેરે ગામોમાં અતિ ભારે વરસાદ હોવાનું પણ જાણવા મળ્યું છે. જેના કારણે ખાસ કરીને ખેતરો પાણીથી તરબતર બની ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં જાણે ગામમાં નદી વહેતી હોય તેવા ચિત્રો જોવા મળ્યા હતા.
સચરાચર અને સાર્વત્રિક વરસાદથી નદીનાળા વહેતા થયા છે. આજે પણ સવારથી જિલ્લાના તમામ વિસ્તારોમાં અવિરત રીતે વરસાદના ભારે ઝાપટા વરસ્યા હતા.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં કલ્યાણપુર તાલુકામાં સાડા 20 ઈંચ (499 મી.મી.), દ્વારકામાં 15 ઈંચ (380 મી.મી.), ભાણવડમાં સાડા 11 ઈંચ (288 મી.મી.) અને ખંભાળિયામાં સવા 9 ઈંચ (234 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા 14 ઈંચ (350 મી.મી.) થવા પામ્યો છે.