For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ભારે વરસાદે 4 દિવસમાં 45 લોકોનો ભોગ લીધો

02:23 PM Aug 29, 2024 IST | Bhumika
ગુજરાતમાં ભારે વરસાદે 4 દિવસમાં 45 લોકોનો ભોગ લીધો
Advertisement

હળવદમાં 7, ગોંડલમાં 3, રાજકોટમાં 1, કચ્છમાં 1 વ્યક્તિનું તણાઈ જવાથી મોત, અનેક લોકો ડુબ્યા

ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા ચાર દિવસમાં વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ગુજરાતમાં કુલ 45 લોકોના મોત થયા છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે અને છેલ્લા ચાર દિવસમાં ગુજરાતમાં 45 લોકોનો ભોગ લીધો છે. જેમાં રાજકોટ શહેરમાં 1, હળવદમાં 7, ગોંડલમાં 3 તેમજ લીલીયા અને કચ્છમાં 1 વ્યક્તિનો ભોગ લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગત તા.25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદને કારણે કુલ 44 લોકોના ભોગ લેવાયા છે. આ મોતનો આંકડો વધે તેવી શકયતા છે. પાણીમાં ડૂબી જવાથી, મકાન કે દિવાલ પડવાથી, ઝાડ પડવાથી, અલગ અલગ 44 લોકોના મોત થયા છે. જેમાં ગત તા.25ના રોજ મોરબીના હળવદમાં પાણીમાં ડૂબી જવાથી ધર્મિષ્ઠાબેન વજુભાઈ પટેલ, 26-8નાં રોજ ગાંધીનગરના કલોલમાં દિવાલ પડવાથી રમજુભાઈ બાબુભાઈ સલાટ તેમજ આર.કે.બાબુભાઈ સલાટનુ મોત થયુ હતુ. 26-8ના રોજ આણદમા ઝાડ પડવાથી સુરજ વિનોદ ચૌહાણનું જ્યારે બોરસદમાં પાણીમાં ડૂબી જવાથી અરૂણભાઈ રાઘવજીભાઈ પટેલ, તારાપુરમાં પૃથ્વીસિંહ ભગરથસિંહ સોલંકીનો ભોગ લેવાયો તેમજ વડોદરાની સાવલીમાં દિવાલ પડવાથી એક યુવાનનું મોત થયું, ખેડાના મહુધાના અભેસિંહ રૂપસિંહ નાયકનું દિવાલ પડવાથી મોત થયું, 27-8નાં રોજ મહિસાગરના લુણાવાડામાં દિવાલ પડવાથી પટેલિયા લક્ષ્મણ શનાભાઈ અને પટેલિયા કૈલાશબેન લક્ષ્મણભાઈનું મોત થયું. તેમજ સાણંદનાં દિલીપ સોમા પૂજક, ખંભાતના ઘનશ્યામ સનાભાઈ ચૌહાણ, સકુબેન ઘનશ્યામભાઈ ચૌહાણ, તુષાર ઘનશ્યામભાઈ ચૌહાણ આમ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા. જ્યારે અમદાવાદના બાવળામાં મેહુલ રાઠોડ, ખેડામાં કાંતાબેન જમતભાઈ ઠાકોરનું તેમજ અરવલ્લીમાં લાલાભાઈ રાજુભાઈ ખાંટનું દિવાલ પડવાથી મોત થયું.

જ્યારે પાણીમાં ડૂબી જવાથી ભરૂચ જંબુસરના મેલાભાઈ વજેસંગ ચરોતર, દાહોદના નરસિંગભાઈ નાનકાભાઈ પરમાર, દાહોદના લીમખેડાના રૂપસિંગભાઈ મગનભાઈ નિનામા, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ધનજીભાઈ છગરામભાઈ અખયાણી, ધ્રાંગધ્રાના વિઠલાપરા મેરાભાઈ દાનાભાઈ, ડાંગ આહવાના એલ્યાભાઈ ગુલાબભાઈ ધળેનું અને પંચમહાલના રમેશભાઈ ગોવિંદભાઈ રાઠવાનું મોત થયું હતું. તેમજ જામનગરના ધ્રોલના રાજેશ લવજી પેઢડીયાનું ડૂબી જવાથી, અમદાવાદ મણીનગરના રાજકુમાર શ્યામલાલ અને ધોળકાના ભાવેશ મકવાણાનું મોત થયું જ્યારે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ઝાડ પડવાથી ભીખલીબાઈ કુકારામ બામણીયાનું મોત થયું હતું.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો બાબરા તાલુકાના રાયપર ગામના જયેશભાઈ પરસોતમભાઈ રાદડિયા તેમના પત્ની સોનલબેન અને 11 વર્ષનો પુત્ર ધર્મેશ ઈકો કારમાં ગોંડલના કોલપરી નદી ઉપરથી પસાર થતાં હતાં ત્યારે પાણીના પ્રવાહમાં ઈકો કાર તણાઈ જતાં દંપતિ અને માસુમ પુત્રનું મોત થયું હતું. જ્યારે અમરેલીના કાકચ ગામના શિક્ષક દંપતિ વરસાદી વાતાવરણ વચ્ચે બાઈક લઈને જતાં હતાં ત્યારે પાણી ભરેલા ખાડામાં બાઈક સ્લીપ થતાં ડૂબી જવાથી શિક્ષક દંપતિ ખંડીત થયું હતું અને પત્નીનું મોત થયું હતું. જ્યારે પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કચ્છના ભૂજ પાસે બનેલા બનાવમાં કચ્છના ક્ષત્રિય સમાજનાં પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડના પુત્ર ભૂપેન્દ્રસિંહની થાર કાર ખાખરાથી ભૂજ જતી વખતે ફરાતી રામણીયા વચ્ચે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ રાઠોડનું મોત થયું હતું. તેમજ નક્ષત્રાણાના વડવા કાંયા ગામની આશાપુરા નદીમાં સોમવારે બે ખેત મજુર પાણીના પ્રવાહમાં તણાયા હતાં.

જેમાં 32 વર્ષિય ઠાકોરભાઈ રવજીભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે તેના સાથી કનુભાઈ ફુલાભાઈની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટના જેતપુરના રૂપાવટી ગામે ફુલઝર નદીમાં તણાઈ જવાથી પિયુષ સાદીયા નામના 27 વર્ષના યુવાનનું મોત થયું હતું. જ્યારે જામજોધપુરમાં જીણાવારી ગામના પરબત રામા પાથર (ઉ.53) પાણીમાં તણાઈ જવાથી મોતને ભેટયા હતાં.

હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે એકની શોધખોળ શરૂ કરાઈ છે. ઢવાણા ગામે રવિવારે નદીમાં ટ્રેકટર પલટી ખાઈ ગયું હતું. આ ટ્રેકમાં કુલ 17 લોકો પાણીમાં તણાયા હતાં. જેમાં 9 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જ્યારે સાત લોકોના મૃતદેહ મળી આવ્યા હતાં. જેમાં સુરેન્દ્રનગર જોરાવરનગરના અશ્ર્વિનભાઈ રાઠોડ, ઢવાણાના આશિષ સુરેશ બારોટ, રાજુબેન ગણપતભાઈ બારોટ, વિજય સુરેશ બારોટ, પાટડીના જીનલ મહેશ બારોટ, ઢવાણાના ગીતાબેન સુરેશભાઈ રાઠોડ, જાન્કીબેન પ્રવિણભાઈ મકવાણા અને રામદેવ પ્રવિણ મકવાણાના મૃતદેહ મળી આવ્યા હતાં. હજુ પણ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નથી જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ચાર દિવસમાં 2000 લોકોનું રેસ્કયૂ અને 17000 લોકોનું સ્થળાંતર
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ અને પૂરના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાતને રાહત મળવાની આશા નથી, હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સતત પાંચમાં દિવસે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યોછે. છેલ્લા ચાર દિવસમાં લગભગ 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તેમજ એનડીઆરએફ તથા એસ ડી આર એફ સહિતની એજન્સીઓ દ્વારા વિવિધ સ્થળે ફસાયેલા 2000 જેટલા લોકોને બચાવી લેવાયા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement