ભાવનગર જિલ્લામાં શ્રીકાર વરસાદ: સમગ્ર જિલ્લામાં 2થી 12 ઇંચ
પાલિતાણામાં 12 ઈંચ, સિહોર, મહુવામાં 11 ઇંચ, ઉમરાળામાં 9 ઇંચ, ગારિયાધારમાં 6 ઇંચ, વલભીપુરમાં 4.5 ઇંચ. ભાવનગરમાં 3 ઇંચ: ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા
ભાવનગર જિલ્લામાં જિલ્લામાં બેથી બાર ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે. પાલીતાણામાં 12 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ હતી. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદથી જનજીવન ઉપર ભારે અસર થઈ છે.
ભારે વરસાદથી અને ગામોમાં કમર સુધી પાણી પહોંચી ગયા હતા. તલગાજરડા ગામે પાણીમાં 30 બાળકો ફસાયા હતા. જેને તંત્ર દ્વારા બચાવ કામગીરી દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં નદી-નાળામાં પૂર આવ્યા હતા.
ગોહિલવાડ પંથકમાં ગઈ સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂૂ થયો હતો. આજે સવાર સુધીમાં સુધીમાં જિલ્લાભરમાં બેથી 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.
ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સુધીમાં વલ્લભીપુરમાં 109 મી.મી, ઉમરાળામાં - 228 મી.મી., ભાવનગર શહેર - 75 મી.મી., ઘોઘામાં 52 મી.મી., સિહોરમાં 283 મી.મી, ગારીયાધારમાં 149 મી.મી., પાલીતાણામાં -301 મી.મી., તળાજામાં 150 મી.મી., મહુવામાં - 229 મી.મી. તથા જેસરમાં - 272 મી.મી.મી વરસાદ નોંધાયો છે.
મહુવા પંથકના ભારે વરસાદને કારણે તલગાજરડા ગામે મોર્ડન સ્કૂલમાં પાણી ઘુસી જતા 30 બાળકો ફસાયા હતા. કમર સુધી પાણી ભરાયા હતા. સ્થાનિક તંત્ર અને એનડીઆરએસસીની ટીમ તેમજ સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને બાળકોને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ગામમાં પાણી ભરાઈ ગયા હતા.
તળાજા મા વહેલી સવારે બે કલાક ધોધમાર વરસાદ ને લઈ રહેણાંક પોશ એરિયા ગણાતા રાધેશ્યામ પાર્ક, દાતરડ વાળા ની વાડી, શિવાજી નગર અને પાવઠી રોડ,સરતાનપર રોડ પર પાણી ભરાયા હતા.રહેણાંક વિસ્તાર ના લોકોએ બળાપો ઠાલવ્યો હતોકે રોડ લેવલિંગ ના કારણે પાણી સીધાંજ ઘરમાં ઘુસીજાય છે.કેટલાક રહીશોએ ફળિયા સોસાયટી ના ગટર ના ઢાંકણા પાણી નો નિકાલ થયા તે માટે ખોલી નાખ્યા હતા.શિવાજી નગરમાં એક પોલ ધરાશાઈ થયોહતો.ડો.વાઘેલા ના ક્લિનિક નજીક મેલડીમાતા મંદિર,વચલો રોડ,શિવાજી નગર રોડ પરના તમામ ભરતા પાણીના નિકાલ માટે બનાવેલ કેનાલ નજીક કમર સમાં પાણી ભરાઈ જતા વ્હેલી સવારે બે ત્રણ બાઈક સવાર તણાતાં રહી ગયા હતા.વાહન ચાલકો ને રસ્તાઓ બદલવા ની ફરજ પડી હતી.
છેલ્લા ત્રીસેક વર્ષ નો રેકોર્ડ તૂટ્યો હતોકે પ્રથમ વરસાદેજ તળાજી નદી મા ઘોડાપુર આવતા ભીડભંજન મહાદેવ મંદિર અડધું ડૂબી ગયું હતું.નદીના સામા કાંઠે વિસ્તારના લોકોને નદીના પુલ પરથી જવાની ફરજ પડી હતી.શેત્રુંજી નદીમાં પણ પુર આવ્યું હોય તળાજી નદી ઓટ મારે તો સામાકાંઠે વિસ્તારના રહીશોને ખાલી કરી ને જવું પડેતેવી ભય જનક સ્થિતિ જોવા મળી હતી.કામરોલ,સાંગાણા જવા માટે ના ચોકડી થી આગળ જતાં પાણી ફરી વળ્યાં હતા.અહીં શીંગદાણા ના કારખાનામાં પાણી ઘુસી જતા શીંગ ભરેલ ગુણો પલળી જતા મોટું નુકસાન થયાની ભીતિ માલિક ધીરૂૂભાઈ પટેલ એ જણાવી હતી.
ગારીયાધાર ન વિરડી ગામે ભારે વરસાદથી ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેસર, મહુવા, તળાજા, પાલીતાણા અને ઘોઘા પંથક માં ભારે વરસાદથી નદીમાં પુર આવ્યા હતા. તળાજામાં શેત્રુંજી નદી માં પાણીની ભારે આવક થઈ હતી.
સમગ્ર ભાવનગર જિલ્લામાં ચોમાસાની શરૂૂઆતમાં જ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. અને ભારે ગરમીથી પરેશાન થઈ ગયેલા લોકો મેઘરાજાના આગમનથી ગરમી માંથી છુટકારો મેળવી શક્યા છે. ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત હોય હજુ વરસાદ પડવાની સંભાવના છે.
ચમારડી પાસેના પૂલ ઉપરથી પાણી જતા રસ્તો બંધ કરાયોભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદથી વલભીપુર ભાવનગર હાઇવે ને જોડતો ચમારડી પાસે આવેલ ચોગઠનો ઢાળ પાસેનો પુલ ઉપરથી પાણી જતા રસ્તો બંધ કરેલ છે.
ડે. કલેકટર નોટિસ આપે એ પહેલા જ ચીફ ઓફિસર પ્રગટ થયા !
વહેલી સવાર થીજ મેઘરાજા દે ધનાધન ના સ્વરૂૂપ મા હોય સવારે જ તળાજી નદી મા પાણી આવી ગયા હતા.સોસાયટી વિસ્તારમાં પાણી ભરાવા ની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.નગરજનોની સુખાકારી માટે ચિફ ઓફિસર નગરના મુખ્ય અધિકારી હોવા છતાંય આવ્યા ન હતા.આ વાત ડે.કલેક્ટર સુધી પહોંચતા તેઓએ નોટીસ આપી હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ડે.કલેક્ટર એ જણાવ્યું હતુંકે પહેલા મેં ફોન કરેલ ત્યારે રિસીવ કરેલ ન હતો.બે દરકારી દેખાતા નોટીસ આપવા ની તૈયારી કરી હતી.બપોર બાદ તેઓનો સંપર્ક થઈ શક્યો હતો.