For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજયમાં સતત બીજા દિવસે મેઘમહેર, 227 તાલુકામાં અમી વર્ષા

01:08 PM Jun 18, 2025 IST | Bhumika
રાજયમાં સતત બીજા દિવસે મેઘમહેર  227 તાલુકામાં અમી વર્ષા

બરવાળામાં સૌથી વધુ 8 ઇંચ, સાયલામાં 6, બોટાદમાં વધુ 5.5, મુળી-જોડિયા-ઉમરાળા-થાનમાં પાંચ ઇંચ વરસાદ

Advertisement

ભારે વરસાદથી 12 હજારથી વધુ ગામડાઓમાં વીજ પૂરવઠો પ્રભાવિત, રાજયમાં 20 લોકોના મોત

સૌરાષ્ટ્ર-ગુજરાતમા ચોમાસાની એન્ટ્રી થયા બાદ ગઇકાલે સતત બીજા દિવસે રાજયમા સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો આજે પણ સવારથી ભારે વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ પડી રહયો છે ત્યારે સૌરાષ્ટ્રનાં ભાવનગર-બોટાદ અને અમરેલી જિલ્લાનાં કેટલાક વિસ્તારોમા મેઘરાજાનુ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ છે. અતિભારે વરસાદનાં કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. રાજયમા ભારે વરસાદનાં કારણે આજે સવાર સુધીમા કુલ 20 લોકોનાં મોત થયાનુ જાણવા મળે છે. આ ઉપરાંત સરકારી તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમા પાણીમા ફસાયેલ 139 લોકોનુ રેસ્કયુ કરવામા આવ્યુ હતુ.

Advertisement

મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમા જ તોફાની ઇનિંગ ખેલતા અનેક વિસ્તારોમા વીજ પૂરવઠો ખોરવાઇ ગયો છે અને ગઇકાલે સાંજ સુધીમા 167 ગામડાઓમા વિજ પૂરવઠો બંધ હોવાનુ સતાવાર યાદીમા જાહેર કરાયુ છે. 12 હજાર ગામોમા વીજ પૂરવઠાને અસર થઇ છે. ભારે વરસાદનાં કારણે 193 રસ્તા બંધ છે અને 21 ડેમ હાઇએલર્ટ પર છે.
રાજયમા આજે સવારે પુરા થતા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યના 8 તાલુકામાં સાડા ચારથી પોણા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદના બરવાળામાં પોણા આઠ ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં સવા છ ઈંચ, બોટાદ તાલુકામાં સાડા પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના મુળીમાં સાડા પાંચ ઈંચ, જામનગરના જોડીયામાં સાડા પાંચ ઈંચ, ભાવનગરના ઉમરાળામાં પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં પાંચ ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં સવા ચાર ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં ચાર ઈંચ, બોટાદના રાણપુરમાં પોણા ચાર ઈંચ, કચ્છના ગાંધીધામમાં સાડા ત્રણ ઈંચ, બનાસકાંઠાના દિયોદરમાં સાડા ત્રણ ઈંચ, અમદાવાદના ધંધુકામાં સાડા ત્રણ ઈંચ, આણંદના બોરસદમાં સવા ત્રણ ઈંચ, કચ્છના અંજારમાં ત્રણ ઈંચ, આણંદના પેટલાદમાં ત્રણ ઈંચ, કચ્છના નખત્રાણામાં ત્રણ ઈંચ, આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ, મોરબીના માળીયામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય અમદાવાદના ધોલેરામાં અઢી ઈંચ, ભાવનગરના સિહોરમાં અઢી ઈંચ, આણંદ તાલુકામાં સવા બે ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં સવા બે ઈંચ, અમદાવાદના દસક્રોઈમાં સવા બે ઈંચ, મોરબી તાલુકામાં સવા બે ઈંચ, ચોટીલા, વઢવાણમાં સવા બે ઈંચ, ભચાઉ, વાંકાનેરમાં સવા બે ઈંચ, કલ્યાણપુર, તારાપુરમાં બે બે ઈંચ, અબડાસા, ભૂજ, રાપરમાં પોણા બે ઈંચ, જામનગર, દ્વારકામાં પોણા બે ઈંચ, પાટણ ખંભાળીયામાં પોણા બે ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ, વલસાડના ઉમરગામમાં પોણા બે ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં પોણા બે ઈંચ, 30 તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

21 ડેમ એલર્ટ-વોર્નિંગ પર, ગમે ત્યારે પાટિયા ખોલાશે
પ્રથમ વરસાદમાં જ રાજ્યના મોટા સાત ડેમોની જળસપાટી હાઇ લેવલ પર પહોંચી છે. સાત ડેમો હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, હાલમાં સરદાર સરોવર ડેમમાં 51.59 ટકા પાણીનો સંગ્રહ થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે રાજ્યના 7 ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 6 ડેમ એલર્ટ પર અને 8 ડેમ હજુ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. આ ડેમના પાટીયા ગમે ત્યારે ખોલી દેવામાં આવશે. લોકોને નદીકાંઠાના વિસ્તારમાં ન જવા સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં ડેમોની સ્થિતિની વાત કરીએ તો અત્યારે રાજ્યના 6 ડેમ 100 ટકા ભરાયેલા છે, આ ઉપરાંત રાજ્યના 15 ડેમમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે, 18 ડેમમાં 50થી 70 ટકા પાણીનો સંગ્રહ થયો છે, 63 ડેમમાં 25થી 50 ટકા પાણીનો સંગ્રહ થયો છે અને હજુ પણ 104 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે.

193 રસ્તા બંધ, 12953 ગામમાં વીજળી ગુલ
ભારે વરસાદના કારણે રાજ્યના 193 રોડ રસ્તાઓ બંધ કરાયા હતા. ભારે વરસાદના કારણે સ્ટેટ, નેશનલ, પંચાયત અને માર્ગમકાન વિભાગના 193 રસ્તાઓ બંધ કરાયા હતા. જ્યારે એસટીની પણ 194 ટ્રીપો રદ્દ કરાઇ હતી. રાજ્યમાં બે દિવસમાં ભારે વરસાદના કારણે 193 રોડ- રસ્તા બંધ થયા છે. સૌથી વધુ રસ્તાઓ ભાવનગર જિલ્લામાં બંધ કરાયા હતા. 12 સ્ટેટ હાઈવે, એક નેશનલ હાઈવે, પંચાયત હસ્તકના 147 માર્ગ અને અન્ય 33 રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. વરસાદને લઈ અલગ અલગ દુર્ઘટનામાં 18ના મોત થયા છે. 36 કલાકમાં પ્રશાસને 109 લોકોને બચાવ્યા હતા. તે સિવાય 120 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 12953 ગામોમાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. 1 નેશનલ હાઈવે સહિત કુલ 134 માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થયો હતો. સુરેંદ્રનગરના વઢવાણમાં 46 લોકોનું સ્થળાંતર કરાયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement