કાલાવડ તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદનો અમી છંટકાવ
નવાગામ, મોટી વાવડી, ધુન ધોરાજી માછરડામાં પાણી રસ્તાઓ પર વહ્યા
કાલાવડ તાલુકાના નવાગામ, મોટી વાવડી, ધુનધોરાજી, માચરડા, હકુમતિ સરવાણીયા સહિતના ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસેલા વરસાદે માર્ગો પર પાણી વહેતા કરી દીધા હતાં. છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ સાથે આકરી ગરમીના વાતાવરણમાં જનજીવન જકડાયું છે. લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે કાલાવડ ગ્રામ્ય પંથકમાં ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે અમુક સ્થળોએ હળવો ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં તાલુકાના નવાગામ, મોટી વાવડી, ધુનધોરાજી, માછરડા, હકુમતિ સરવાણી સહિતના અમુક પંથકમાં ગાજવીજ અને ઝંઝાવાતી પવન સાથે વરસાદ પડયો હોવાના વાવડ મળ્યા છે. વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતાં. જ્યારે વરસાદ આવતાં વીજળી પણ ગુલ થઈ હતી. ત્યારે બાદ વીજ પુરવઠો સાંજે 8.30 રાબેતા મુજબ ચાલુ થયો હતો. પરંતુ ફરી બે વાર મોડી સાંજે 11 વાગ્યાની આસપાસ વિજળી ગુલ થઈ અને અંદાજિત એક કલાકના સમય બાદ વીજ ફરી ચાલુ થઈ હતી.