શહેરના મુખ્ય માર્ગો ઉપર ભંગાર વાહનોના ભારે ખડકલા
જામનગર શહેરમાં સડકો પર પડેલા ભંગાર વાહન ઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. શહેરના સત્યમ કોલોની વિસ્તારનો મેઈન રોડ, હરિયા કોલેજ, ગોકુલ નગર રોડ અને ઇન્દિરા માર્ગ જેવા મુખ્ય માર્ગો પર લાંબા સમયથી ભંગાર વાહનો પડેલા જોવા મળે છે. આ વાહનો ટ્રાફિકને અવરોધે છે, ન્યુસન્સ ફેલાવે છે અને આસપાસના વિસ્તારને અસુરક્ષિત બનાવે છે.
આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ નિમ્ભર એસ્ટેટ શાખાનો સંપર્ક કર્યો હતો. જો કે, તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જામનગર મ્યુનિસિપલ કમિશ્નરના જાહેરનામા મુજબ, સડકો પર વાહનોનું પરિત્યાગ કરવું ગુનો છે. પરંતુ હકીકતમાં સ્થિતિ એવી છે કે, આ જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
સત્યમ કોલોનીના સ્થાનિક રહેવાસી જણાવે છે કે, આ વાહનોના કારણે અમારા વિસ્તારમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ છે. બાળકો રમવા નીકળે ત્યારે આ વાહનો તેમના માટે જોખમી બની શકે છે.
આ ઉપરાંત, આ વાહનોમાં કચરો જમા થવાથી દુર્ગંધ ફેલાય છે અને મચ્છરો પેદા થાય છે. અમે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. આ સમગ્ર મામલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવે છે.
તેઓએ આવા ભંગાર વાહનોને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ સાથે જ, આવા ગુનાહિત કૃત્યો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે.