નર્મદા ડેમમાં ધોધમાર આવક, સપાટી 125.40 મીટરે પહોંચી, ત્રણ પાવર હાઉસ ચાલુ કરાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર વધ્યુ છે. જેમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,42,033 ક્યુસેક પાણીની આવક થઇ છે. તેમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 35,174 ક્યુસેક પાણીની જાવક છે. તેમજ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 125.40 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 80 સેમીનો વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેમાં નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 1770.36 ખઈખ છે. તથા પાણીની આવક થતાં RBPHના 3 પાવર હાઉસ ચાલુ છે.
ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ 58 ટકા ભરાયો છે. ધોધમાર વરસાદને કારણે મધ્યપ્રદેશના બે મુખ્ય ડેમ, ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો થયા છે. પાણીની સતત આવક થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેના પગલે નર્મદા ડેમમાં નવા નીરની ભરપૂર આવક થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, ઇન્દિરા સાગર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી 1,21,100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલીને 1,22,850 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ભારે વરસાદને પગલે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જળાશયોમાં નવા પાણીની આવકને પગલે ખેડુતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29 જેટલા જળાશયો છલકાયાં છે. દરમિયાન સરકાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 61 જેટલા પાણીનો સંગ્રહ થયો છે. હજુ વરસાદ સતત વરસી રહ્યો છે જેથી હજુ પણ નવા પાણીની આવક થવાની શકયતા છે. ગુજરાતના 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. 62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે. હજુ પણ 36 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25થી નીચું છે.
હાલ ગુજરાતના 48 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઈએલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 21 જળાશયો એલર્ટ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ છે.