સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી, બે દિવસ યલ્લો એલર્ટ
- આઠ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર, અમદાવાદ-રાજકોટ-કચ્છ-બનાસકાંઠામાં ચેતવણી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલ હિટવેવનો દોર યથાવત રહ્યો છે અને આજથી વધુ બે દિવસ માટે હવામાન વિભાગ દ્વારા યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં આગામી બે દિવસ અંગ દઝાડતી ગરમી પડી શકે છે. રાજ્યના નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર, બે દિવસ
અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા અને કચ્છમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરીને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં 41.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી અનુસાર, 29 માર્ચના રોજ બનાસકાંઠા અને અમદાવાદમાં હીટવેવના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હીટવેવના પગલે હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓના નાગરીકોને સચેત કરવામાં આવ્યા છે.
ગઇકાલે રાજ્યના આઠ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાયો હતો. જેમાંથી 4 જિલ્લામાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 41.1 ડિગ્રી, ડીસામાં 40.3, ગાંધીનગરમાં 41, વલ્લભ વિદ્યાનગરમાં 40.1, વડોદરામાં 40.4, સુરતમાં 36.6, વલસાડમાં 34.4, ભુજમાં 39.9, નલિયામાં 33, કંડલા પોર્ટમાં 35, અમરેલીમાં 41.6, ભાવનગરમાં 38.6, દ્વારકામાં 29.1, ઓખામાં 31.8, પોરબંદરમાં 33.3, રાજકોટમાં 41.3, વેરાવળમાં 30.1, સુરેન્દ્રનગરમાં 40.1, મહુવામાં 37.2 અને કેશોદમાં 38.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.