ગરમીનો પારો છટકયો, આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ
રાજકોટ-મોરબી-સુરેન્દ્રનગર-જૂનાગઢ-કચ્છ સહિતના જિલ્લાઓમાં લોકોને સાવચેત રહેવા અપીલ
આવતીકાલે પણ અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, હોળી પહેલા શિયાળાની વિદાય
ગુજરાતમાથી હોળી પહેલા શિયાળાએ વિદાઇ લઇ લીધી હોય તેમ અત્યારથી જ આકરા ઉનાળાનો અનુભવ થઇ ગયો છે અને અત્યારથી જ પારો 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે. ગઇકાલે રાજયનાં 9 જીલ્લામા 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચ્યા બાદ આજ રાજયનાં 9 જીલ્લામા ગરમીનુ રેડ એલર્ટ અને આવતીકાલે કેટલાક જીલ્લામા ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યુ છે.
ગુજરાતમાં ગરમીએ ફરી એકવાર પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂૂ કરી દીધું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે, અને હવામાન વિભાગે આગામી બે દિવસ માટે હીટવેવની ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને આજે રાજ્યના 9 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 12 માર્ચે પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની અને ગરમીથી બચવા માટે જરૂૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર આજે કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ગંભીર અસર જોવા મળશે અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં તાપમાન ખૂબ જ ઊંચું રહેવાની સંભાવના છે. આ ઉપરાંત, 12 માર્ચના રોજ બનાસકાંઠા, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી પણ આપવામાં આવી છે, જ્યાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસ સુધી તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં તીવ્ર ગરમી અનુભવાઈ હતી, જ્યારે સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું. રાજ્યમાં તાપમાન ઊંચું રહેવાનું છે, જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેશે. 2025માં ઉનાળામાં આ પહેલાં હીટવેવનો રાઉન્ડ છે.
હીટવેવની આગાહીને પગલે હવામાન વિભાગે લોકોને ગરમીથી બચવા માટે જરૂૂરી સૂચનાઓ અને માર્ગદર્શિકા જાહેર કરી છે. હીટવેવ દરમિયાન ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વધુ સાવચેતી રાખવાની જરૂૂર છે.
રાજકોટમાં પાંચ દિવસમાં પારો 4.2 ડિગ્રી વધી ગયો
10 માર્ચ - 41.7
09 માર્ચ - 41.1
08 માર્ચ - 39.3
07 માર્ચ - 38.8
06 માર્ચ - 37.5