સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હીટવેવની આગાહી, કચ્છ-પોરબંદરમાં યલો એલર્ટ જાહેર
- ગરમ પવનો ફૂંકાતા લોકોને આવતીકાલથી પાંચ દિવસ ઘરમા રહેવા સુચના
ગુજરાતમાં આકરી ગરમીની શરૂૂઆત થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં બપોરે આકરી ગરમી અનુભવાઈ રહી છે જ્યારે રાત્રે પણ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છેકે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઇ વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે. કચ્છ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા જણાઇ રહી હોવાથી આ બન્ને જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટેની ગરમી સંબંધિત આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છેકે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે. ઉપરાંત આ પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઇ વિસ્તારમાં ગરમ અને ઉષ્ણ પવનો ફૂંકાવાથી અસ્વસ્થતાભરી સ્થિતિ ઉદ્ભવી શકે છે.હવામાન વિભાગ દ્વારા આ સાથેજ હીટ વેવ અંગેની ચેતવણી પણ જાહેર કરી છે. આગામી પાંચ દિવસ એટલે કે 20થી 24 માર્ચ દરમિયાન રાજ્યના બે જિલ્લા કચ્છ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. જ્યારે 26થી 28 માર્ચ દરમિયાન વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં.