રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, 45 ડિગ્રી તાપમાન
133 વર્ષમાં એપ્રિલ માસમાં સૌથી ઊંચુ તાપમાન નોંધાયું, છેલ્લે 2017માં 44.8 ડિગ્રી ગરમી પડી હતી
રાજકોટમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી જતાં એપ્રિલમાસમાં ગરમીનો નવો રેકોર્ડ સર્જાયો છે. બપોરે અઢી વાગ્યે રાજકોટ હવામાન કચેરીએ જણાવ્યા મુજબ આજે બપોરે રાજકોટનું મેક્સિમમ તાપમાન 45 ડિગ્રી સે. નોંધાયું છે. જ્યારે પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઈ છે. બપોરે અઢી વાગ્યે 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મતલબ કે, બપોરે 3:30 વાગ્યે આ તાપમાનમાં હજુ વધારો નોંધાઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા 1892થી નોંધાતા રેકોર્ડ મુજબ રાજકોટમાં એપ્રિલ માસમાં આજે 133 વર્ષનું સૌથી ઉંચુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 1892થી ભારતમાં હવામાન વિભાગ હવામાનનો ડેટા નોંધે છે. તેમાં એપ્રિલ માસમાં છેલ્લે તા. 14/04/2017ના રોજ સૌથી ઉંચુ 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે બપોરે 2:30 કલાકે 45 ડિગ્રીતાપમાન નોંધાયું છે. જે ગરમીનો નવો રેકોર્ડ છે. દેશમાં 133 વર્ષ પહેલા વર્ષ 1892થી વિવિધ શહેરોનું તાપમાન નોંધાવાની શરૂઆત થઈ હતી જેમાં એપ્રિલ માસમાં આજે 45 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ થયો છે.
આગામી દિવસોમાં ગરમીના હજુ નવા રેકોર્ડ તુટવાની પણ શક્યતા છે.
છેલ્લા ચારેક દિવસથી શરૂ થયેલા હિટવેવના દોરમાં રાજકોટમાં ગત સોમવારે 44.2 ડિગ્રી, મંગળવારે 44 ડિગ્રી તથા આજે 45 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોમાં બોકાસો બોલી ગયો છે. અને બપોરે બજારોમાં કુદરતી કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ હિટવેવ સામે લોકોને સચેત રહેવા અને કામ વગર બપોરના સમયે બહાર નહી નિકળવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટમાં ઓલટાઇમ હાઇ તાપમાન 47.90નો રેકોર્ડ તૂટવાની સંભાવના
ભારતીય હવામાન વિભાગ ઇ.સ.1892થી તાપમાન-વરસાદને લગતા ડેટાની નોંધ કરે છે. આ આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં રાજકોટમાં સૌથી વધુ મહતમ તાપમાન 47.90 સે નોંધાવ્યું છે. મે મહીનાની 13મી તારીખે 1977ની સાલમાં આ તાપમાન નોંધવામાં આવ્યું હતું. એપ્રીલ મહીનાના શરૂઆતમાં 10 દિવસમાં જ ગરમીનો પારો 450 સે પહોંચી ગયો છે. જે જોતા મે મહીનામાં ફરીથી ગરમીનો નવો રેકોર્ડ સર્જાય તેવી શકયતા હવામાનશાસ્ત્રીઓ વ્યકત કરી રહ્યા છે.
