હાર્ટએટેક : મંદિરમાં સેવા કરતાં યુવાન અને નાસ્તો કરતાં આધેડ ઢળી પડયા
રેલનગર અને ગંજીવાડામાં બે લોકોના હૃદય થંભી જતાં પરિવારમાં શોક
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે શહેરમાં વધુ બે લોકોનો હૃદય રોગના હુમલાએ ભોગ લીધો હતો જેમાં ગંજીવાડા વિસ્તારમાં મંદિરમાં સેવા પૂજા કરતો યુવાન અચાનક ઢળી પડતાં તેનું મોત નિપજયું હતું. જ્યારે બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં નાસ્તો કરતા આધેડનું હાર્ટએટકથી મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, ગંજીવાડા શેરી નં.37માં રહેતો મુકેશ દલસુખભાઈ અસાણી (ઉ.45) નામનો યુવાન આજે સવારે હનુમાનજીના મંદિર પાસે હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કહતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મુકેશભાઈ બે ભાઈ એક બહેનમાં મોટા અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરતાં હતાં. બે દિવસથી તેમની તબિયત સારી ન હોવાથી બાટલા ચડાવ્યા હતાં. દરમિયાન આજે હાર્ટએટેક આવતાં તેમનું મોત નિપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં સાધુવાસવાણી કુંજ રોડ પર રહેતા રાકેશ સુરેશભાઈ જોંટગીયા (ઉ.50) નામના આધેડ ગઈકાલે સાંજે રેલનગરમાં નાસ્તો કરતાં હતાં ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતક રાકેશભાઈ બે ભાઈ એક બહેનમાં મોટા અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેમનું હાર્ટએટેકથી મોત થયાનું તબીબો દ્વારા જાહેર કરવામિં આવ્યું હતું.