હાર્ટએટેકનો હાહાકાર: ST કર્મચારી સહિત ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા
ખંભાળિયામાં સરકારી કર્મચારી, શાપરમાં 17 વર્ષનો સગીર, જામનગરના ચંગા ગામે ખેડૂત અને કાલાવડના મૂળીલાના યુવકનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળનાં ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ચાર વ્યક્તિના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં ખંભાળિયામાં એસટી કર્મચારી, શાપરમાં 17 વર્ષનો સગીર, જામનગરના ચંગા ગામે ખેડૂત અને કાલાવડના મુળીલાના યુવકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં આવેલા મધુસૂદન એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ ગાંધીનગરના રહીશ ભુપેન્દ્રકુમાર હરગોવિંદ ભાડે નામના 43 વર્ષના યુવાનને ગઈકાલે શુક્રવારે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પત્નિ કૈલાસબેન ઉર્ફે સોનલબેન ભુપેન્દ્રકુમાર ભાડેએ અહીંની પોલીસને કરી છે.
બીજા બનાવમાં મુળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ કોટડાસાંગાણીના પડવલામાં રહી કારખાનામાં મંજૂરી કામ કરતા વિનોદ શીવરાજભાઇ સીંગ નામનો 17 વર્ષનો સગીર કારખાનાની ઓરડીમાં હતો. ત્યારે તેને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવાનને સારાવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
ત્રીજા બનાવમાં જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા યુવરાજસિંહ દિલીપસિંહ પિંગળ નામના 27 વર્ષના ખેડૂત યુવાનને પોતાના ઘેર બાથરૂૂમમાં જતાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ ઉપરાંત ચોથા બનાવમાં કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અશ્વિનભાઈ લાખાભાઈ સાટોડીયા નામના 47 વર્ષના ખેડૂત યુવાનને ચાલુ બાઈકમાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા પછી તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.જે મામલે કાલાવડ ટાઉન પોલીસ તપાસ ચલાવે છે.