હાર્ટએટેક: રાજકોટ અને ગોંડલમાં બે યુવકના હૃદયરોગના હુમલાથી મોત
ગોંડલના યુવાનની બે દિવસથી ઘરમાં પડેલી કોહવાયેલી લાશ મળી: બંને પરિવાર શોકમાં ગરકાવ
રાજ્યભરમાં હૃદયરોગને હુમલાથી અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. ત્યારે હાર્ટએટેકથી વધુ બે વ્યક્તિના ધબકાર બંધ થઇ ગયા છે. જેમાં રાજકોટ અને ગોંડલમાં બે યુવાનના હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલા ગાયત્રીનગરમાં રહેતો યોગેશ પ્રકાશભાઈ સોનછાત્રા નામનો 34 વર્ષનો યુવાન સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈ અને બે બહેનમાં વચ્ચેટ હતો. અને તેના સગપણની વાત ચાલતી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલમાં આવેલા ભોજપરા વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ યોગેશભાઈ સોલંકી (ઉ.વ.46)નો તેના ઘરમાંથી બે દિવસથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું તેના પુત્રએ જણાવ્યું હતું. જ્યારે પ્રાથમિક પૂછપરછ મૃતક શૈલેષભાઈ સોલંકી ચાર ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર ગુંદાળા ગામે રહે છે અને બે દિવસ બાદ પુત્ર પિતા પાસે આટો મારવા આવતા પિતાની કોહવાયેલી લાશ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.