હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ
ખોડિયારનગરના પ્રૌઢ અને વાવડીના આધેડ બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત
આજી વસાહતમાં આવેલા ખોડીયારનગરમાં રહેતા રાજુભાઈ દશરથભાઈ દત્ત નામના 44 વર્ષના પ્રૌઢ અને વાવડીમાં આવેલા લક્ષ્મણરાય ઈમાનદાર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અરજણભાઈ દેવજીભાઈ ધામેશિયા નામના 57 વર્ષના આધેડ પોતાના ઘરે હતા. ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે હૃદયરોગના હુમલાથી મોત નિપજયું હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત જુદા જુદા પાંચ સ્થળે પાંચ વ્યક્તિના બેભાન હાલતમાં મોત નીપજ્યા છે જેમાં હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા સંજયભાઈ પ્રેમજીભાઈ ગોહેલ (ઉ.વ.54) બેસણામાંથી પરત આવતાની સાથે જ બેભાન હાલતમાં ટાળી પડ્યા હતા જ્યારે શ્રીરામ સોસાયટીના આશિષભારથી શાંતિભારથી ગોસ્વામી (ઉ.વ.45), મેટોડાના રણછોડભાઈ કાળાભાઈ કળથીયા (ઉ.વ.57), સતનામ સોસાયટીના દિનેશ રાઘવજીભાઈ ડાભી (ઉ.વ.30) અને સાધના સોસાયટીના અમૃતલાલ ભીમજીભાઇ પંચાસરા (ઉં.વ.80)નું બીમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.