હાર્ટએટેક: રાજકોટમાં વધુ ત્રણનાં મોત
- પ્રૌઢ, આધેડ અને હોસ્પિટલમાં છાતીના દુખાવાની દવા લેવા ગયેલા રિક્ષાચાલક બેભાન હાલતમાં ઢળી પડ્યા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ ત્રણ વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પ્રૌઢ અને આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં વિશ્વેશ્વર મંદિર પાછળ આવેલી જય બાબા રામદેવ સોસાયટીમાં રહેતા જયેશભાઈ વિક્રમભાઈ ભટ્ટી નામના 44 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે સાંજના પાંચેક વાગ્યાના આસામમાં તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા જયેશભાઈ ભટ્ટીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં જયેશભાઈ ભટ્ટીનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જયેશભાઇ ભટ્ટી બે ભાઈ એક બહેનમાં નાના અને અપરિણીત હતા. જયેશભાઈ ભટ્ટી કારખાનામાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતા હતા અને જયેશભાઈ ભટ્ટીનું હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલ જનકપુરી-2માં રહેતા જીતેન્દ્રભાઈ દામજીભાઈ ભાણવડિયા નામના 53 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં નિંદ્રાધીન જીતેન્દ્રભાઈ ભાણવડિયાને હાર્ટ એટેકનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જીતેન્દ્રભાઈ ભાણવડિયાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જીતેન્દ્રભાઈ ભાણવડિયા બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં રાજકોટમાં ભગવતી પરા વિસ્તારમાં રહેતા આરિફભાઈ મહમદભાઈ નહીદી ઉવ.46 પોતાના ઘરે હતા ત્યારે તેમને છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો. આરિફભાઈ નહીદી પોતાની જાતે રિક્ષા લઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતાં ત્યારે સિવિલ હોસ્પિટલમાં જ આરિફભાઈ નહીદીનું સારવાર મળે તે પૂર્વે જ હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું હતું. આરિફભાઈ નહીદીના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો. મૃતક આરિફભાઈ બે ભાઈ બે બહેનમાં નાના હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.