હાર્ટએટેકનો ખતરો યથાવત્; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
હૃદય રોગના હુમલાથી મૃત્યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ બે માનવ જિંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં ઉદયનગરના યુવાન અને જીયાણા ગામના આધેનુ હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર ઉદ્યોગનગરમાં રહેતાં નરભેરામભાઇ વજેરામભાઇ ગોંડલીયા નામનો 43 વર્ષનો યુવાન ઘરે હતો. ત્યારે રાતે બે વાગ્યે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક નરભેરામભાઇ છુટક સેલ્સમેન તરીકે કામ કરતાં હતાં. તે એક બહેનથી મોટા હતાં. સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં શહેરની ભાગોળે આવેલા જીયાણા ગામે રહેતા ખોડાભાઈ લાખાભાઈ કુમારખાણીયા નામના 50 વર્ષના આધેડ સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાની કાર લઈને જીયાણાથી કુવાડવા આવતા હતા ત્યારે નવાગામ પાસે ચાલુ કારે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.