હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે હાર્ટફેઇલ
હરીઓમ પાર્કમાં યુવાન અને ઘંટેશ્ર્વરમાં પ્રૌઢાએ બેભાન ઢળી પડ્યા બાદ દમ તોડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ દરરોજ હદય રોગના હુમલાથી અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે બનાવમાં હરીઓમ પાર્કમાં રહેતા યુવાન અને ઘંટેશ્ર્વરમાં રહેતા પ્રૌઢાનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ખોખડદર નદીના પૂલ પાસે આવેલા હરીઓમ પાર્કમાં રહેતા જયેશ સુરેશભાઈ મહેતા નામનો 31 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સવારના 8 વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખશેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હદયરોગના હુમલાથી યુવકનું મોત નિપજ્યું હોવાનું જાહેર થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈમાં નાનો અને અપરણીત હોવાનો જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ઘંટેશ્ર્વર વિસ્તારમાં આવેલા પચ્ચીસ વારિયામાં રહેતા સજનાબેન જયંતિભાઈનામના 49 વર્ષના પ્રૌઢા રાત્રીના સમયે પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રે હદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રૌઢાની સારવાર કારગત નિવડે તે પૂર્વે હોસ્પિટલમાં બિછાને દમ તોડી દેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રૌઢાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.