For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્ટએટેકનો ફૂંફાડો: મંદિરમાં પૂજા કરતા વિકલાંગ યુવાન સહિત 5 મોત

04:01 PM Sep 03, 2024 IST | admin
હાર્ટએટેકનો ફૂંફાડો  મંદિરમાં પૂજા કરતા વિકલાંગ યુવાન સહિત 5 મોત

જંગલેશ્ર્વરનો 19 વષીર્ર્ય યુવાન પિતાના ભંગારના ડેલે ખુરશીમાં બેઠો હતો ને ઢળી પડયો

Advertisement

ઉદયનગરના મહિલા, પડધરી અને ટંકારા પંથકના બે આધેડના હૃદય થંભી ગયા

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે રાજકોટમાં છેલ્લા બે દિવસથી હાર્ટએટેકના બનાવો વધી રહ્યાં છે જેમાં ગઈકાલે મહિલા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા બાદ આજે હાર્ટએટેકે ફુફાડો માર્યો હોય તેમ વધુ પાંચ લોકોના મોત નિપજતાં હાહાકાર મચી ગયો છે. ત્રંબા ગામે મંદિરમાં સેવા પૂજા કરતા વિકલાંગ યુવાન, જંગલેશ્ર્વરનો 19 વર્ષિય યુવાન, ઉદયનગરની મહિલા, પડધરી અને ટંકારા પંથકના બે આધેડના હૃદય ધબકારા ચુકી ગયા હતાં. એક જ દિવસમાં પાંચ લોકોના હાર્ટએટેકના કારણે મોત નિપજતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, ત્રંબા ગામે ત્રિવેણી સંગમ ખાતે ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિર નજીક પીપળાના ઝાડ નીચે યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં 108નો સ્ટાફ દોડી ગયો હતો જેણે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ દિગપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતાં મૃતક ત્રંબામાં ત્રિવેણી સંગમ પાસે મંદિરની ઓરડીમાં રહેતો નિતીન ભુપતભાઈ આસુંદ્રા (ઉ.30) હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં ગામમાં રહેતા તેના પરિવારજનો દોડી આવ્યા હતાં. મૃતક નિતીન બન્ને પગે વિકલાંગ હોય તે ત્રણ ભાઈ એક બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. છેલ્લા છ મહિનાથી તે મંદિરની ઓરડીમાં રહી સેવા પુજા કરતો હતો. મોડી રાત્રે અથવા સવારના સમયે ઓરડીની બહાર નીકળતાં ઝાડ નીચે હાર્ટએટક આવી જતાં તેનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

જ્યારે બીજા બનાવમાં મુળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ જંગલેશ્ર્વરમાં ગોકુલનગર શેરી નં.3માં રહેતો નાજીમ સમસુદીન અંસારી (ઉ.19) નામનો યુવાન આજે સવારે અટીકા ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં તેના પિતાના ભંગારના ડેલે ખુરશી પર બેઠો હતો ત્યારે બેઠા બેઠા જ ઢળી પડતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. તબીબોએ હાર્ટએટેકના કારણે મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને તેણે ધો.12 સુધીનો અભ્યાસ કર્યાનું જાણવા મળ્યું છે. યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

ત્રીજા બનાવમાં મવડી ચોકડી પાસે ઉદયનગર શેરી નં.2માં રહેતા ભાવનાબેન ચંપકભાઈ નિમાવત (ઉ.50) નામના મહિલા ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે અચાનક બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં તેમને ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. મૃતક ભાવનાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું અને હાર્ટએટેક આવતાં તેમનું મોત થયાનું જાણવા મળ્યું છે.

ચોથા બનાવમાં પડધરી તાલુકાના ઉકરળા ગામે રહેતા રમેશભાઈ માવજીભાઈ સાકરીયા (ઉ.46) નામના આધેડ ગઈકાલે રાત્રે પોતાના ઘરે હતાં ત્યારે હાર્ટએટેક આવતાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક રમેશભાઈ બે બહેનોના એકના એક ભાઈ હોવાનું અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પાંચમાં બનાવમાં ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે રહેતા શૈલેષભાઈ કાનજીભાઈ દુબરીયા (ઉ.49) નામના આધેડનું હાર્ટએટેક આવતાં સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement