હાર્ટએટેકની વધતી ચિંતા: રાજકોટમાં ત્રણના હાર્ટ ફેઈલ
સુરત જનોઈ પ્રસંગમાં ગયેલા યુવક, ખીરસરા આદર્શ આશ્રમના મહંત અને પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ બે માનવ જિંદગી હાર્ટએટેકના કાળના ખપ્પરમાં હોમાઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાજકોટથી સુરત જનોઇ પ્રસંગમાં ગયેલા યુવક, ખીરસરા આદર્શ આશ્રમના મહંત અને પ્રોઢનું હદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી અને લોકોમાં ચિંતા પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર આવેલી શ્રીહરિ દર્શન સોસાયટીમાં રહેતા ચેતન પ્રફુલભાઈ રાણપુરા નામનો 42 વર્ષનો યુવાન સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં જનોઈ પ્રસંગમાં ગયો હતો ત્યારે ગતરાત્રીના બએક વાગ્યાના અરસામાં તેને હદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યો હતો ચેતન રાણપુરાને તાત્કાલિક સારવાર માટે સુરત બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછ મૃતક ચેતનભાઇ રાણપુરા બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્રો છે તેમજ ચેતનભાઇ રાણપુરા શ્રી હરિ જ્વેલર્સના નામે સોની બજારમાં વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં રાજકોટ નજીક મેટોડા પાસે આવેલા ખીરસરા ગામે આદર્શ આશ્રમમાં રહેતા ગુલાબનાથ વસંતનાથ રાઠોડ નામના 64 વર્ષના મહંત આશ્રમમાં હતા ત્યારે તેઓ બેભાન હાલતમાં ઢળી પડતા સેવકો દ્વારા તેમને બેભાન હાલમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મહંતનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા સેવાકોમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં રાજકોટમાં સંત કબીર રોડ ઉપર આવેલા કનકનગરમાં રહેતા રતિલાલ રામજીભાઈ ચૌહાણ નામના 44 વર્ષના પ્રૌઢ બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક હાર્ટ એટેકનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા રતિલાલભાઈ ચૌહાણને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રતિલાલભાઈ ચૌહાણ ત્રણ ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.