હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો
શહેરમાં હદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરની ભાગોળે આવેલા લોધિકા તાલુકાના રાવકી ગામે મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના નિરજ રમેશચંદ્ર પઢેરીયા (ઉ.વ.22) કંપનીમાં હતો ત્યારે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેનું મોત નીપજતા શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈ બે બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં જામનગર રોડ ઉપર આવેલા શેઠનગરમાં રહેતા શૈલેષભાઈ ભગવાનજીભાઈ ભટ્ટ નામના 47 વર્ષના આધારે મધરાત્રે પોતાના ઘરે હતા. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તબીબે આધેડનુ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
અન્ય બનાવમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલી કિરણ સોસાયટીમાં રહેતો આર્યન મુકેશભાઈ સિધ્ધપુરા નામનો 13 વર્ષનો તરુણ બાળપણથી જ કિડનીની બીમારી સામે જજુમતો હતો. ગઈકાલે રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં કિડનીની બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નિપજતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.