હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો
હસનવાડીમાં રીક્ષાચાલક અને મેટોડામાં શ્રમિકનુુંં મોત
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે વ્યક્તિના શ્વાસ થંભી ગયા છે. જેમાં હસનવાડીમાં રીક્ષા ચાલક અને મેટોડામાં શ્રમિકનું હદયરોગના હુમલાથી મોત નિપજતા બંને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હસનવાડીમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારને આર્થિક મદદ કરતા રાકેશભાઈ ભાઈલાલ ગઢેચા નામના 44 વર્ષના પ્રૌઢ સવારના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત મોત નીપજ્યું હોવાનું તબીબે જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
મૃતક રાકેશભાઈ બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હથેલાલ વિશેષર પ્રસાદ નામના 40 વર્ષના યુવકને હદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.