રાજકોટમાં હૃદય રોગનો હુમલો વધુ 4 માનવ જિંદગી ભરખી ગયો
દુકાનમાં બેઠેલા વેપારી, કારખાનેદાર, યુવાન અને પરિણીતા ઢળી પડયા બાદ ભાનમાં જ ન આવતા પરિવાર શોકમાં ગરકાવ
રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં વેપારી, કારખાનેદાર, યુવાન અને માવતરે આંટો મારવા આવેલી પરિણીતાનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ઉમિયા ચોક પાસે રહેતી 28 વર્ષીય પરિણીતા, નાનામવા પાસે રહેતા 23 વર્ષીય અને કોઠારીયા ગામે રહેતા 36 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મનહર પ્લોટમાં રહેતા રજનીકાંતભાઈ ભીખુભાઇ ગાંધેશા નામના 53 વર્ષના આધેડ સાંજના છએક વાગ્યાના અરસામાં ઘી કાંટા રોડ ઉપર જલારામ ઇમિટેશન નામની પોતાની દુકાને હતા. ત્યારે હ્રદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વેપારીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રજનીકાંતભાઈ ગાંધેશા બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા. અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં રાજકોટમાં નાનામવા મેઇન રોડ પર ન્યુ ગાંધીનગર સોસાયટીમાં રહેતા અભિભાઈ હરેશભાઈ ઝાલાવડિયા નામનો 23 વર્ષીય કારખાનેદાર યુવક સવારે દશેક વાગ્યે બાથરૂૂમમાં હતો. ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન થઈ ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક અભિભાઈ ઝાલાવડીયા એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યુ છે.
ત્રીજા બનાવમાં કોઠારીયા ગામ પાસે ગોપાલ હેરિટેજ સોસાયટી શેરી નંબર-1માં રહેતા નરેન્દ્રભાઈ જીવરાજભાઈ વઘાસિયા (ઉ.વ.36) સવારે 10 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા. ત્યારે છાતીમાં દુખાવો ઊપડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. બનાવની જાણ 108ને થતાં સ્ટાફ દોડી આવ્યો હતો. અને નરેન્દ્રભાઈ ને મૃત જાહેર કરી હૃદય રોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક તારણ આપ્યું હતું. આજીડેમ પોલીસ દ્વારા તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, મૃતક એક ભાઈમાં નાના અને અપરણિત હતા તેમજ મજૂરી કામ કરતાં હતા.
આ ઉપરાંત રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ, ઉમિયા ચોક પાસે હિમાલય સોસાયટીમાં રહેતા અવધિબેન નારણભાઈ જેઠવા નામના 28 વર્ષીય પરિણીતા સવારે આઠ વાગ્યે પોતાના ઘરે બેઠા હતા. ત્યારે તેણી અચાનક બેભાન થઈ ઢળી પડતાં પરિવાર દ્વારા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કરી હૃદયરોગનો હુમલો આવ્યાનું જણાવ્યું હતું. આ મામલે માલવિયાનગર પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકના લગ્નને સાત વર્ષ થયા હતા. નડિયાદ સાસરીયુ ધરાવતી અવધિબેન એકાદ મહિનાથી માવતરે આંટો મારવા આવી હતી. અને તેને કોઈ સંતાન નથી. ઉપરોક્ત ત્રણેય બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.