હાર્ટ એટેક : છાતીમાં દુખાવો ઉપડતા દવા લેવા ગયેલો યુવાન હોસ્પિટલ બહાર જ ઢળી પડ્યો
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવી જીંદગી કાળના ખપ્પરમા હોમાઇ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રતનપર ગામે રહેતો યુવાન છાતીમાં દુખાવો ઉપડતા લાખના બાંગ્લા પાસે ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયો હતો. જ્યાં હોસ્પિટલમાંથી નીકળતા જ બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજતા પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા રતનપર ગામે રહેતો મુકેશ મનહરભાઈ મકવાણા નામનો 46 વર્ષનો યુવાન રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં ગાંધીગ્રામ લાખના બંગલા પાસે આવેલ ઓમ હોસ્પિટલ પાસે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મુકેશભાઈ મકવાણાનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મુકેશભાઈ મકવાણા બે ભાઈ એક બહેનના મોટા હતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા હતા. મુકેશભાઈ મકવાણાને સંતાનમાં બે પુત્ર છે મુકેશભાઈ મકવાણાને રાત્રીના સમયે છાતીમાં દુખાવો ઉપડતા ઓમ હોસ્પિટલ ખાતે દવા લેવા માટે ગયા હતા અને હોસ્પિટલની બહાર નીકળતા જ બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.