અમિત ખૂંટ કેસમાં રાજદિપસિંહની આગોતરા અરજીની સુનાવણી પૂર્ણ, ચૂકાદો અનામત
ગોંડલ સેશન્સ કોર્ટે આગોતરા નામંજૂર કર્યા બાદ હાઇકોર્ટમાં કરેલી અરજીની સુનાવણી પૂર્ણ
રીબડાનાં અમિત ખુંટ આપઘાત કેસ મામલે સંડોવાયેલા રીબડાનાં રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા છેલ્લા ઘણા વખતથી ફરાર હોય તેણે ગત 6-8 નાં રોજ ગોંડલ સેશન્સ કોર્ટમા આગોતરા જામીન માટે કરેલી અરજી સેશન કોર્ટે નામંજુર કર્યા બાદ રાજદીપસિંહે આગોતરા માટે હાઇકોર્ટમા અરજી કરી હોય જે મામલે જજ દિલીપ જોશીની કોર્ટમા થયેલી સુનવણી પુર્ણ થઇ છે. સરકાર પક્ષ અને બચાવ પક્ષે કરેલી દલીલ સાંભળી જજ દિલીપ જોશી દ્વારા હાલ આ ચુકાદો અનામત રાખવામા આવ્યો છે આ સુનાવણીમાં ફરિયાદી એટલે અમિત ખૂંટના ભાઈના વકીલ, સરકારી વકીલ તથા અરજદાર એટલે કે રાજદીપસિંહના વકીલે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી.
સરકારી વકીલે કરેલી દલીલમા જણાવ્યુ કે અનિરુદ્ધસિંહની સજા માફી સામે ગૃહ ખાતામાં અરજી કરી છે. આરોપીઓએ મૃતકને દુષ્કર્મ અને પોક્સો કેસમાં ફસાવી દેવા કાવતરું કર્યું હતું. રહીમ મકરાણી અને અતા ઉલા જેવા આરોપીઓ કાવતરામાં સામેલ છે. જેથી બીજા પાસાઓની તપાસ જરૂૂરી છે. આરોપી ભાગેડું છે અને સુસાઇડ નોટમાં અરજદાર આરોપીનું સ્પષ્ટ નામ છે. FSL પુરાવામાં સુસાઇડ નોટ મૃતકે લખી છે. 04 પેજમાંથી 01 પેજ અલગ હોવાનો FSL નો રિપોર્ટ છે.
અરજદાર આરોપીનું સુસાઇડ નોટમાં નામ, કાવતરું કરવા માટેનું પ્રયોજન પણ છે. આરોપીઓએ એક બીજાને કેટલા ફોન કર્યા તેની માહિતી પણ કોર્ટ સમક્ષ મુકાઈ છે. વકીલ દિનેશ પાતર અને સંજય પણ આ બધામાં સંડોવાયેલા છે. જ્યારે બીજા લોકો શંકાના દાયરામાં છે. આરોપી સામે પૂરતા પુરાવા છે.
ફરિયાદીના વકીલે કરેલી દલીલમા વકીલો, છોકરી વગેરેને સાથે રાખી કાવતરું કરાયું છે. રાજદીપ દ્વારા રહીમ મારફતે લાલચ આપીને મૃતક સામે ફરિયાદ કરનાર છોકરીને હાયર કરાઈ હતી.રહીમ મકરાણીએ છોકરીને અમિત ખૂંટને ફસાવવા પ્લાન કહ્યો, આઈફોન અને બીજા ખર્ચ આપવા લાલચ આપી હતી. પહેલી છોકરીએ ના પાડી તો બીજી સગીર છોકરીને હાથો બનાવાઈ હતી.
પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ ભેગા મળીને સગીરા સાથે દુષ્કર્મનો ખોટો કેસ કરાવીને અમિત ખૂંટે આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો. અમિત ખૂંટે ઝાડ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના ખિસ્સામાંથી 04 ચિઠ્ઠી મળી આવી હતી. ફરિયાદ મુજબ રાજદીપસિંહ અને અનિરુદ્ધસિહ મૃતકના ગામમાં સસ્તા ભાવે જમીન પડાવી લેતા હોવાની બાબતને લઈને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આરોપીઓ અને મૃતક અમિત ખૂંટ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીઓએ મૃતક ઉપર હુમલો કરેલો, જેને લઈને મૃતકે આરોપીઓ સામે કેસ પણ કરેલો.