આરોગ્ય કર્મચારીઓની હડતાળથી ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધીનો માહોલ
જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ મિશન (NHM)ના કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઈને આગામી તા. 19/03/2025, બુધવારના રોજ એક દિવસીય માસ CL (કેઝ્યુઅલ લીવ) પર જવાનો અને ગાંધીનગર ખાતે ધરણા યોજવાનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય નેશનલ હેલ્થ મિશન યુનિયનના જામનગર જિલ્લાના તમામ NHM કર્મચારીઓએ પગાર વિસંગતતા સહિતની વિવિધ માંગણીઓને લઈને આ આંદોલનનું એલાન કર્યું છે.NHM કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં 16/03/24ના રોજ કરવામાં આવેલા પગાર વધારાના પરિપત્રમાં NHM કર્મચારીઓના બેઝ પેમાં થયેલી વિસંગતતાને તાત્કાલિક દૂર કરવી. પગાર વધારાના પરિપત્રમાં મળેલું 5% ઇન્ક્રીમેન્ટ વધારીને 15% કરવું.
15/11/18 અને 16/03/24ના પરિપત્રોમાં સિનિયોરિટીને ધ્યાનમાં ન લેવાઈ હોવાથી તેનો યોગ્ય અમલ કરવો. પ્રસુતિની રજા 180 દિવસની કરવી, જેમાં હાલમાં 90 દિવસ પગારી અને 90 દિવસ બિનપગારી છે, તેને સુધારીને 180 દિવસ પગારી કરવી. NHM કર્મચારીઓને EPF (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ)નો લાભ આપવો. કોવિડ-19ના સમયગાળા દરમિયાન 130 દિવસનો પગાર ચૂકવવો. NHM કર્મચારીઓને જિલ્લા બદલીની સુવિધા આપવી. NHM કર્મચારીઓના મૃત્યુ સહાય પેટે મળતી 2 લાખની રકમ વધારીને 10 લાખનો સમાવેશ થાય છે. NHM કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા સમયથી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. તેથી, તેઓએ આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.