જસદણના વેપારી પાસેથી ચણા ખરીદી 9.71 લાખ આપવામાં હાથ ઉંચા કરી દીધા
કમિશન એજન્ટે સોદો કરાવી સિદ્ધપુર અને કરજણના વેપારીને માલ મોકલાવ્યા બાદ પૈસા ન આપ્યા
રાજકોટ જિલ્લામાં વેપારીઓ સાથે ઠગાઈના બનાવો વધી રહયા છે. હજુ ગઈ કાલે જ ગોંડલ માર્કેટયાર્ડના વેપારી સાથે 18 લાખની છેતરપીંડી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બીજીબાજુ ગોંડલનો એક વેપારી જુદા જુદા 8 હાર્ડવેરના વેપારી પાસેથી 18.84 કરોડનો માલ લઈ ભુગર્ભમાં ઉતરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. ત્યાં વધુ એક કિસ્સો જસદણ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં જસદણના વેપારી પાસેથી કમીશન એજન્ટે ચણાની ખરીદી કરી સિધ્ધપુર અને કરજણના વેપારીને માલ મોકલ્યા બાદ 9.71 લાખ ચુકવવાના બદલે હાથ ઉંચા કરી દીધાની ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જસદણ ખોડિયાર નગર ગંગાભુવનમાં રહેતા અને આટકોટ રોડ ઉપર શક્તિ એગ્રી એક્સપોર્ટ નામની પેઢી ધરાવતા નરેશભાઈ ગોરધનભાઈ પોલરા ઉ.વ.45 નામના પટેલ વેપારીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મહેસાણા તિરુપતિ બ્રોકર નામની પેઢી ધરાવતા કમિશન એજન્ટ જયેશભાઈ તેમજ સિધ્ધપુરની શ્રી મારુતિ એગ્રો ઈન્ડ. અને કરજણની નિલકંઠ એન્ટરપ્રાઈઝના માલીક સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અનાજ, કઠોળની ર્યાર્ડમાંથી ખરીદી કરી ક્લીનીંગ કરી શોર્ટેક્ષ કરી વેચાણ કરતા હોય ગત તા. 25-3-24ના ઓફિસે બેઠા હતા ત્યારે તેમની ઓફિસનો વહીવટ કરતા રવિભાઈ ભરતભાઈ છાયાણીના મોબાઈલ ફોન પર મહેસાણાના કમિશન એજન્ટ જયેશભાઈનો ફોન આવ્યો હતો. અને સિધ્ધપુર તેમજ કરજણના વેપારીને ચણા જોઈએ છે. તે વાત કરી 61 રૂપિયાનો કિલો લેખે ચણાનો સોદો કર્યો હતો જેમાં 100 કિ.ગ્રામે 10 રૂપિયા પોતાનું કમિશન લાગશે તેમ જણાવ્યું હતું.
કમિશનર એજન્ટ સાથે વાતચીત થયા મુજબ ફરિયાદીએ સિધ્ધપુરની મારુતી એગ્રો ઈન્ડ.ને 10,020 કિ.ગ્રા. ચણાનો જથ્થો મોકલ્યો હતો. જેનું પેમેન્ટ 6,11,220 થતું હોય તે પેટે 3 લાખ રૂપિયા ચુકવી દીધા હતા. ત્યારે બાકીના 3,11,220 હજુ આપવાના બાકી છે. આ ઉપરાંત કરજણની શ્રી નિલકંઠ એન્ટરપ્રાઈઝ પેઢીને 10,980 કિલો ગ્રામ ચણાનો જથ્થો મોકલ્યો હતો. જે પેટે 6,59,780 રૂપિયા લેવાના નિકળતા હોય બન્ને વેપારીઓએ આજ દિન સુધી પૈસા નહીં ચુકવતા લિગલ નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી. પરંતુ કોઈ જવાબ નહીં દેતા અંતે બન્ને પેઢીના માલીકો અને કમિશન એજન્ટ સામે 9.71 લાખની ઠગાઈ વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.