હરિપર પાળમાં બે જૂથ વચચે ધીંગાણા પાછળ સરપંચની ચૂંટણીનો ડખો : ચાર શખ્સોની ધરપકડ
છેલ્લા બે વર્ષથી ચાલતી અદાવતમાં બળતામાં ઘી હોમાયું : બન્ને જૂથના ચાર સભ્યો ઘાયલ
રાજકોટની ભાગોળે હરીપરપાળ ગામે શનિવારે બે આહીર જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ ખેલાયું હતું. જેમાં વાહનોમાં તોડફોડ અને હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ મામલે મેટોડા પોલીસમાં સામાસામી ફરિયાદ નોંધાઈ હોય જેમાં બન્ને જૂથના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા બન્ને જૂથનાં સભ્યોમાં એક સરપંચ હોવાનું જાણવા મળ્યું છે. સરપંચની ચૂંટણી બાબતે ચાલતા બે વર્ષના ડખ્ખામાં શનિવારે થયેલો હુમલો બળતામાં ઘી હોમાયા જેવો ઘાટ સર્જાયો છે.
રાજકોટની ભાગોળે હરીપરપાળ ગામમાં અગાઉથી સરપંચની ચૂંટણી બાબતે ચાલ્યા આવતાં વેરજેરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ ખેલાયું હતું. જેમાં સામાસામી ફરિયાદ નોંધાઈ હોય હરીપરપાળના કાથળભાઈ શામતભાઈ વિરડાની ફરિયાદનાં આધારે જયદેવ ભીખુ ડાંગર, સુભાષ પ્રભાત ડાંગર, રણજીત તથા ઘનશ્યામ ઉર્ફે ઘના ડાંગર અને અજાણ્યા બે એમ કુલ છ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જ્યારે સામા પક્ષે જયદેવ ભીખાભાઈ ડાંગરની ફરિયાદના આધારે પ્રકાશ કાથડ વિરડા, કાથડભાઈ વિરડા, પ્રભાતભાઈ ઉર્ફે મુન્ના વિરડા અને કાળુ શામતભાઈ વિરડાનું નામ આપવામાં આવ્યુ હતું.
છેલ્લા બે વર્ષથી બન્ને જૂથ વચ્ચે સરપંચની ચૂંટણીને લઈને ચાલ્યા આવતાં ડખ્ખામાં શનિવારે બળતામાં ઘી હોમાયું હતું. જેમાં જયદેવ ડાંગરની જી.જે.3 એચએ 5757 નંબરની સ્કોર્પિયોમાં તોડફોડ કરવામાં આવી હતી અને બન્ને જૂથ વચ્ચેની માથાકુટમાં જયદેવ ડાંગર અને સામાપક્ષે કાથડભાઈ સહિતના ચારને ઈજા થઈ હતી. આ મામલે મેટોડા પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આ માથાકુટમાં સંડોવાયેલ સરપંચ પ્રભાત મુન્ના વિરડા સહિત બન્ને જૂથના ચાર સભ્યોને ઝડપી લીધા હતાં.