BAPS મંદિરે હાટડીના દર્શન કરી ધન્યતા અનુભવતા હરિભકતો
કારતક સુદ એકાદશીને દેવપ્રબોધિની એકાદશી કહે છે. આ દિવસે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન જાગે છે. બલીના દરબારમાં ગયેલા ભગવાન પુન: સ્વસ્થાને પધારે છે. ચાર માસ દરમ્યાન ભક્તોએ જે જે તપ કર્યા, ભગવાનનો વિયોગ વેઠ્યો તેથી પ્રભુ અંતરમાં જાગ્રત થયા, આમ પ્રબોધિની એકાદશીને દેવઊઠી એકાદશી પણ કહેવામાં આવે છે.
આ દિવસે ઠાકોરજી આગળ નવા શિયાળુ શાકભાજીની સુશોભિત હાટડી ભરવામાં આવે છે. આપણે તો ભગવાને જ બનાવેલું બીજ ધરતીમાં નાખીએ છીએ પણ ઉગાડવાનું કામ તો ભગવાન કરે છે બધું જ ભગવાનનું છે. તેમની જ વસ્તુ તેમને જ અર્પણ કરી ’તેન ત્યક્તેન ભુંજીથા:’ ભાવ અનુસાર તેમણે જ આપેલું તેમને જ અર્પણ કરીને આપણી ઠાકોરજી પ્રત્યેની ભક્તિ પ્રદર્શિત કરવાનું આ પર્વ છે.
આજના દિવસે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ ફળો અને શાકભાજીનો સુંદર હાટ રચવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ 75 પ્રકારનાં શાકભાજી અને 45 પ્રકારનાં ફળોનો હાટ રચવામાં આવ્યો હતો જેમાં શાકભાજી અને ફળોના નૈસર્ગિક ગુણધર્મો અને તેના ફાયદાઓ કેવા છે તે પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સાંજે 4:30 વાગ્યાથી લઈને સાંજના 7:00 વાગ્યા સુધી ભાવિક ભક્તો અને રાજકોટની આમ જનતાએ ભગવાન સમક્ષ રચવામાં આવેલી હાટડીના દર્શનનો લાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આ દિવસે ચાતુર્માસ પણ પૂર્ણ થતો હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ નિર્જલ ઉપવાસ કરીને ભગવાન અને સંતને પોતાનું ભક્તિ અદર્ય અર્પણ કર્યું હતું.