આઠ કલાકમાં 10 ઈંચ વરસાદથી હાલોલ ડૂબ્યું
નીચાણવાળા વિસ્તારોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા, એક સાથે 17 કાર ડૂબી ગઈ
"શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો, અનેક મકાનો-દુકાનોમાં પાણી ઘુસી ગયા”
ગુજરાતમાં સતત ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવધારથી ઉત્તર ગુજરાતમાં હાલોલમાં આભ ફાટયું હોય તેમ માત્ર આઠ કલાકમાં 10 ઈંચ અને ત્યારબાદ બપોરે 12થી બે સુધીમાં વધુ બે ઈંચ વરસાદ ખાબકી જતાં હાલોલમાં પૂર જેવી સ્થિતિ સર્જાયેલ છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે અને પાંચ પાંચ ફુટ સુધી પાણી ભરાઈ ગયા છે અને 17 જેટલી કાર ડૂબી ગઈ હતી.
આ સિવાય સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં ઉમરેઠમાં 4.57 ઈંચ, બોરસદમાં 3 ઈંચ વરસાદ પડયો હતો. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 129 તાલુકામાં 1 મીમી થી માંડી 6.34 ઈંચ વરસાદ નોંધાયા બાદ સવધારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ પડયો છે.આજે વહેલી સવારથી પંચમહાલ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. હાલોલમાં સવારે 6થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ ધોધમાર 8.4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 6.7 ઇંચ જ્યારે 8થી 10 વાગ્યા સુધીમાં 1.7 ઇંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ મેઘો ધોધમાર વરસતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
હાલોલ ગોધરા રોડ પર ઘૂટણસમા પાણી ભરાયા હતા. બે ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક એસટી બસ પાણી ખોટકાઇ ગઇ હતી. જેના પગલે મુસાફરોને પાણી ભરાયેલી સ્થિતિમાં બસમાંથી નીચે ઉતરવાનો વારો આવ્યો હતો.
હાલોલમાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જાણે કે શેરીઓમાંથી નદી વહેતી હોય તેવા દૃશ્યો સવાર-સવારમાં જોવા મળ્યા છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. શહેર જળમગ્ન થવાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલોલના નિચાણાવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વિજયનગરની શાળાના 25 બાળકો પાણીમાં ફસાતા રેસ્કયું કરાયું
સાબરકાંઠાના વિજયનગર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજસ્થાનમાં વરસાદને લઈને હરણાવ નદી અને બૂસી વડલી નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણી આવતા ફરીથી સરસવ સ્કૂલમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે શાળામાં પાણીના પ્રવાહમાં 25 જેટલા શાળાના બાળકો ફસાયા હતા. જેની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ગ્રામજનોએ 25થી વધુ બાળકોનું રેસ્ક્યુ કર્યું છે. આ અગાઉ વિજયનગરના સરસવ ગામે હરણાવ નદીના ધસમસતા પ્રવાહ લોકો ઘરમાં પણ ઘૂસ્યા હતા. સરપંચ સહિત નવ સ્થાનિકોને પણ ઘરમાં ફસાઈ જતાં રેસ્ક્યૂ કરાયા હતા. સ્થાનિક યુવાનોની ટીમોએ રેસ્ક્યુ કર્યું હતું.
ભિલોડા પાસે 3 યુવાન તણાયા, એક લાપત્તા, સોનગઢમાં 3 મહિલા તણાઈ
અંકલેશ્ર્વર પાસે 3 યુવાનો પર વીજળી પડતાં એકનું મોત
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે અલગ અલગ બે ઘટનામાં છ લોકો તણાયા હતાં જેમાંથી એક મહિલાની લાશ મળી છે જ્યારે એક યુવક લાપત્તા છે તો અંકલેશ્ર્વર નજીક ત્રણ લોકો ઉપર વિજળી પડતાં એક યુવકનું મોત નિપજ્યું હતું.
પ્રથમ ઘટનામાં : ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં પૂરના કારણે કાર સાથે ત્રણ લોકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. ગામના યુવકોએ કારનું રેસ્ક્યુ કરી બે લોકો બચાવ્યા છે. લાપતા એક યુવકની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સિવાય બીજી ઘટનામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં દૌણ ગામે આવેલા ગૌમુખ ધોધમાં નવસારીની ત્રણ મહિલા નહાવા પડતા તણાઈ ગઈ હતી. જો કે, બે મહિલાને સ્થાનિકોએ બચાવી લીધી હતી. જ્યારે 68 વર્ષિય ભાનુબેન ગોરાસેની લાશ દૂરથી મળી આવી હતી.