ખનીજચોરો પાસેથી અધધ...345 કરોડ દંડ વસૂલવાનો બાકી
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ બજેટ સત્રમાં ખનીજ ચોરો પાસેથી કેટલો દંડ વસુલાયો તેવા પુછાયેલા પ્રશ્નોના જવાબમાં રાજય સરકારે ખનીજ ચોરીના આંકડા વિધાનસભા સત્રમાં રજુ કર્યા હતા જેમાં પોરબંદર જિલ્લા ખનીજ ચોરો માટે સ્વર્ગસમાન હોવાનું અને અધધ.... 345 કરોડનો દંડ વસુલવાનો બાકી હોવાનું રાજય સરકારે આંકડા રજુ કર્યા છે જયારે જામનગર જિલ્લામાં ખનીજચોરો પાસેથી દંડ પેટે 168 કરોડ વસુલાત બાકી છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે 15 ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન જામજોધપુરના હેમંતભાઇ હરદાસભાઇ આહીરે મુખ્યમંત્રી અને ખાણખનીજ વિભાગ અને રાજયમાં ખનીજચોરો પાસેથી કેટલી ખનીજચોરીનો દંડ વસુલવાનો બાકી છે તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો.
31-12-2023ની સ્થિતિએ રાજયમાં ખનીજચોરો પાસેથી રાજય સરકારને કેટલો દંડ વસુલવાનો બાકી છે તે અંગેના આંકડા વિધાનસભા સત્રમાં રજુ કરવામાં આવ્યા હતા. જેમાં પોરબંદર જિલ્લો ખનીજચોરો માટે સ્વર્ગસમાન હોવાનો સાબીત થયો છે. પોરબંદર જિલ્લામાં 31-12-2023ની સ્થિતિએ અધધ... 34549.47 લાખની રકમ વસુલવા માટે બાકી હોવાનું જયારે પોરબંદર જિલ્લામાં ખાણખનીજ તંત્ર દ્વારા એક વર્ષમાં ખનીજ ચોરો પાસેથી માત્ર 2.24 લાખની વસુલાત કરી છે.
આ ઉપરાંત જામનગર જિલ્લામાં પણ ખનીજચોરો પાસેથી દંડ પેટે 1686.86 લાખનો દંડ વસુલવાનો બાકી છે. જયારે જામનગર જિલ્લામાં તંત્ર દ્વારા ખનીજચોરો પાસેથી વસુલાતના નામે મીેંડુ મુકાવ્યું હતું.
વિધાનસભામાં રાજય સરકાર દ્વારા રજુ કરેલા આંકડાની માહિતી જોવામાં આવે તો અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં 80 જેટલા ખનીજચોરો પાસેથી લાખો રૂપિયાનો દંડ વસુલવાનો બાકી છે. જેમાં રમેશભાઇ બારૈયા, બાબુભાઇ કેશવાલા, વરૂણભાઇ કાનાણી, રમેશ કાળાવળીયા, બિજલભાઇ ભડકા, મોહનભાઇ કણઝારીયા સહીતના આસામીઓ સમાવેશ થાય છે. જેમાં અમુક ખનીજચોરોને બોન્ડ લઇને મુકત કરવામાં આવ્યા છે. જયારે અમુક ખનીજચોરો દ્વારા અપીલ કરવામાં આવી છે. જયારે અમુક ખનીજચોરો સામે પોલીસ કેસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.