પાટડીમાં ઢીંચણ ડૂબ પાણીમાં નનામી કાઢવી પડી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાડીવાસ વોર્ડ નંબર 4માં રહેતા ઠાકોર સમાજના રહીશોની સ્થિતિ એટલી દયનીય બની છે કે તેમને ઢીંચણ સમા પાણીમાંથી નનામી કાઢવાની ફરજ પડી રહી છે.
આ વિસ્તારના રહીશોએ છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણીના ભરાવાની સમસ્યા અંગે પાટડી નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે. પરંતુ આજ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ લાચારીભરી સ્થિતિમાં લોકોને સ્મશાનમાં નનામી પણ પાણીમાં લઈને જવી પડે છે.
પાટડીમાં વરસાદ પડતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ જાય છે. નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિકોની લાચારી એટલી હદે પહોંચી છે કે અંતિમ યાત્રાના ફોટા અને વિડિયો પણ ઉતારવા પડ્યા છે. આ દૃશ્યો સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને લોકોની વેદનાને ઉજાગર કરે છે.