કેશરિયાજી બોર્ડરે તળાવ ફાટતા ગુજરાત-રાજસ્થાનનો વાહન વ્યવહાર ઠપ
10 કિલોમીટર લાંબી લાઇનો લાગી, 8 કલાક સુધી રસ્તો બંધ, અમદાવાદ-ઉદયપુર હાઇવે પર ઠેર ઠેર વાહનોના થપ્પા
રાજસ્થાનમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે. કેશરિયાજી નજીક તળાવ ફાટતાં તેના ધસમસતા પાણી અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ફરી વળતાં હાઈવે રીતસર નદીમાં ફરેવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાતાં વાહન વ્યવહાર પ્રભાવિત ગયો છે.
આ માર્ગ પર 10 કિ.મી સુધી ટ્રાફિક જામ થઈ જતાં ગુજરાત તરફથી રાજસ્થાનમાં તરફ જતાં અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયાં છે. જ્યારે રાજસ્થાનથી ગુજરાતમાં આવતાં વાહનો પણ કેશરિયાજી પાસે અટવાઈ ગયાં છે. 8 કલાકથી વધુ સમય નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઈ જતાં અનેક ગુજરાતીઓ ફસાયા હતા.અમદાવાદ-ઉદયપુર હાઈવે પર બુધવાર સવારથી લાંબો ટ્રાફિક જામ થયો હતો. અતિભારે વરસાદને કારણે કેશરિયાજી નજીક તળાવ ફાટતાં પાણી નેશનલ હાઈવે પર ફરી વળ્યું હતું. સતત વાહનોની અવર-જવરથી ધમધમતો નેશનલ હાઈવે નં.48 નદીમાં ફેરવાઈ ગયો હતો અને હાઈવે પર 5 ફૂટ જેટલાં પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ઉદયપુર જિલ્લાના પરસાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સવારે 7 વાગ્યાથી ટ્રાફિક જામ થવા લાગ્યો હતો. હાઈવે પર પાણી ફરી વળતાં શરૂૂઆતમાં વાહનો અટકી-અટકીને ચાલી રહ્યા હતા અને બાદમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાજસ્થાનથી ગુજરાત તરફના માર્ગે 10 કિ.મી સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગતાં જ 2 હજાર કરતાં વધુ વાહનો હાઈવે પર અટકવાઈ ગયા હતા.
કેટલાક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા અને રસ્તામાં જ બંધ પડી ગયા હતા.અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિક જામ થતાં ગુજરાતથી રાજસ્થાનમાં જતાં અનેક વાહનો અટવાઈ ગયાં હતા. બીજી તરફ દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં આવતાં વાહનો પણ રાજસ્થાનમાં અટવાઈ ગયાં હતા. હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે 8 થી 10 કલાક સુધી આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ રહી હતી.
ગુજરાતમાંથી રાજસ્થાન જતી ટ્રકો રસ્તામાં જ ઊભી રાખી દેવાઈ
નેશનલ હાઈવે પર પાંચ ફૂટ જેટલા પાણી ફરી વળતાં ગુજરાતમાં લાગતા-વળગતા વાહન ચાલકોને ઉદયપુર હાઈવે પર હાલ ન આવવા જાણ કરી દીધી હતી. રસ્તામાં 10 કિ.મી સુધીનો ટ્રાફિક જામ હોય ગુજરાતથી રાજસ્થાન તરફ જતી ટ્રકો અટકાવી દેવામાં આવી હતી. અનેક ચાલકોએ પોતાના વાહનો હોટલો અને પેટ્રોલપંપો આગળ પાર્ક કરી દીધા હતા અને રસ્તો ખુલ્લો થાય તેની રાહ જોવામાં આવી હતી.
કલાકો સુધી અટવાયેલા મુસાફરોએ ચાલવાનું શરૂ કર્યું
સવારે સાત વાગ્યાથી ટ્રાફિક જામ થઈ જતાં એસટી બસો, ટ્રકો તેમજ ખાનગી વાહનો અટવાઈ ગયા હતા. જોતજોતામાં આ વિસ્તારમાં બંને તરફ 10 કિ.મી લાંબી વાહનોની કતારો લાગી જતાં મુસાફરો અકળાયા હતા અને વરસાદમાં જ ચાલવાનું શરૂૂ કરી દીધુ હતુ. મહિલાઓ, બાળકો સહિતના અનેક મુસાફરોને ટ્રાફિક જામને કારણે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.